

કચ્છ, 13 જૂન (હિ.સ.) : ભારત સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છ જિલ્લામાં આયોજિત ‘પ્રગતિ પથ યાત્રા’ વિકાસ, સુશાસન અને જનકલ્યાણના કાર્યોને જનતા સમક્ષ જીવંત રીતે રજૂ કરતો એક અનોખો પ્રયાસ બની રહ્યો. આ યાત્રાનો મુખ્ય હેતુ છેલ્લા એક દાયકાથી વધુ સમયગાળા દરમિયાન જિલ્લામાં સર્જાયેલા પરિવર્તનને લોકો સુધી પહોંચાડવાનો અને વિકાસની વિવિધ યોજનાઓ તથા પ્રકલ્પોનો પ્રત્યક્ષ પરિચય કરાવવાનો હતો.
કચ્છ આજે દેશના સૌથી ઝડપી વિકાસ પામતા જિલ્લાઓમાં સ્થાન ધરાવે છે. પ્રવાસન, ઉદ્યોગ, શિક્ષણ, સંશોધન, પર્યાવરણ અને આધુનિક માળખાકીય સુવિધાઓ જેવા અનેક ક્ષેત્રોમાં થયેલી પ્રગતિને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લામાં વિશેષ રૂટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ યાત્રામાં જનપ્રતિનિધિઓ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
યાત્રા દરમિયાન ભુજના સ્મૃતિવન મેમોરિયલથી લઈને મિયાવાકી ફોરેસ્ટ, રીજનલ સાયન્સ સેન્ટર અને લાખોંદ ખાતે આવેલા ખારેક સંશોધન કેન્દ્ર જેવા વિકાસના પ્રતીકોની મુલાકાત લેવામાં આવી હતી. સાથે જ અંજારના વીર બાળભૂમિ સ્મારક, સત્તાપરનો ગોવર્ધન પર્વત, સરહદ ડેરી અને ગાંધીધામના આધુનિક માળખાકીય વિકાસના પ્રતીક એવા ઓસ્લો બ્રિજ તથા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની મુલાકાત દ્વારા યાત્રીઓએ વિકાસના વિવિધ પાસાઓને નજીકથી નિહાળ્યા હતા.
બીજા તબક્કામાં યાત્રા વિશ્વવિખ્યાત સફેદ રણ માટે જાણીતા ધોરડો સુધી પહોંચી હતી, જ્યાં પ્રવાસન ક્ષેત્રે સર્જાયેલા નવા અવસરોની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત દેશની ઊર્જા આત્મનિર્ભરતાને મજબૂત બનાવતા રિન્યુએબલ એનર્જી પાર્ક અને વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની મુલાકાત દ્વારા કચ્છની ઐતિહાસિક અને આધુનિક ઓળખનો અનોખો સમન્વય રજૂ કરવામાં આવ્યો હતો.
યાત્રાનો ત્રીજો રૂટ રાષ્ટ્રભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને સમર્પિત રહ્યો હતો. માંડવી ખાતે સ્થિત ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકની મુલાકાત સાથે સ્વાતંત્ર્ય સંગ્રામના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માતાના મઢ ખાતે પહોંચીને શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રનો પરિચય મેળવતા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કચ્છમાં છેલ્લા વર્ષોમાં અનેક મહત્વાકાંક્ષી પ્રકલ્પો સાકાર થયા છે. પ્રવાસનના વૈશ્વિક નકશા પર કચ્છની આગવી ઓળખ ઉભી થઈ છે, ઉદ્યોગોને નવી ગતિ મળી છે, સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે નવી સંભાવનાઓ ઊભી થઈ છે અને સાંસ્કૃતિક વારસાને આધુનિક વિકાસ સાથે જોડવાનો સફળ પ્રયાસ થયો છે. ‘પ્રગતિ પથ યાત્રા’ દ્વારા આ તમામ પરિવર્તનોને એક જ મંચ પર રજૂ કરી લોકોમાં વિકાસ પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જિલ્લાભરના નાગરિકો માટે આ યાત્રા માત્ર સ્થળોની મુલાકાત પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ છેલ્લા ૧૨ વર્ષમાં કચ્છે વિકાસના ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓને સમજવાની અને અનુભવાની એક યાદગાર સફર સાબિત થઈ હતી. વિકાસના માર્ગે આગળ વધી રહેલા કચ્છની આ ગાથા આગામી વર્ષોમાં વધુ પ્રગતિ અને સમૃદ્ધિના નવા અધ્યાયો સર્જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar