

છોટાઉદેપુર, 13 જૂન (હિ.સ.) : ખેડૂતોના હિતોના રક્ષણ માટે ગુજરાતમાં સૌપ્રથમ સ્થપાયેલ એવી બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટેની ચૂંટણી પ્રક્રિયા આજે હાથ ધરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે કૌશિક મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિહ રાઠોડ ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા બંને મેન્ડેટ લઈને આવ્યા હતા અને પ્રમુખ પદ માટે કૌશિક પટેલ અને ઉપપ્રમુખ પદ માટે ધર્મેન્દ્રસિંહ રાઠોડના નામની જાહેરાત થતા જ ઉપસ્થિત બજાર સમિતિનાં તમામ ડિરેક્ટરોએ બંને હોદ્દેદારોને હર્ષભેર આવકારી વધાવી લીધા હતા.
આજની આ બોડેલી બજાર સમિતિનાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ટાણે 108 તરીકે જાણીતા એવા સંખેડા ધારાસભ્ય ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, પ્રમુખ વાલજીભાઈ બારીયા, ઉપપ્રમુખ યશપાલસિંહ ઠાકોર સહિત બોર્ડ સભ્યો અને ભાજપાનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સહકારી ક્ષેત્રે સંકળાયેલા કૌશિકભાઈ પટેલ અગાઉ બે વખત બજાર સમિતિનુ ઉપપ્રમુખ પદ શોભાવી ચૂક્યા છે. સહકારી આગેવાન કૌશિક પટેલ ઢોકલીયા સોસાયટી જીન સાથે જિલ્લા ના સહકારી ક્ષેત્રે પણ અનેક હોદ્દા ધરાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ