
ગાંધીનગર, 13 જૂન (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં હેક્સાવેર ટેક્નોલોજીઝના નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. ગિફ્ટ સિટીના પ્રજ્ઞા-II બિલ્ડિંગના 7મા અને 8મા માળે શરૂ થયેલું.આ અત્યાધુનિક સેન્ટર ગુજરાતની ટેક્નોલોજી ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે.
આ સેન્ટરના પ્રારંભથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા એનાલિટિક્સ, ઓટોમેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા અદ્યતન ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે તેમજ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે.
હેક્સાવેર ટેક્નોલોજીઝ વિશ્વની અગ્રણી ડિજિટલ અને ટેક્નોલોજી સેવાઓ પ્રદાન કરતી કંપનીઓમાંની એક છે. કંપની વૈશ્વિક સ્તરે બેંકિંગ, નાણાકીય સેવાઓ, આરોગ્ય, વીમા, ઉત્પાદન, રિટેલ, પ્રવાસન અને પરિવહન સહિતના વિવિધ ક્ષેત્રોમાં અદ્યતન ટેક્નોલોજી આધારિત સોલ્યુશન પૂરા પાડે છે.
વિશ્વના અનેક દેશોમાં કામગીરી ધરાવતી હેક્સાવેર ટેક્નોલોજીઝ આગામી ત્રણ વર્ષમાં આશરે ૧,૦૦૦ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા રોજગારનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે.
ગિફ્ટ સિટીમાં હેક્સાવેરના ડિલિવરી સેન્ટરની સ્થાપના ગુજરાતના ટેક્નોલોજી અને નવીનતા આધારિત વિકાસને વધુ મજબૂત બનાવશે.
આ પ્રસંગે, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, હેક્સાવેર ટેક્નોલોજીઝના સીઈઓ અને એક્સએક્યુટિવે ડાઇરેક્ટર આર. શ્રીકૃષ્ણ સહિત કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર વિકાસ કુમાર જૈન તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ