


ગાંધીનગર, 13 જૂન (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ગાંધીનગર સ્થિત બીબીએ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક અભિગમ, વ્યક્તિત્વ વિકાસ અને રોજગારલક્ષી કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુથી બી.પી.કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા SEM-V બી.બી.એ.ના વિદ્યાર્થીઓ માટે “બિલ્ડિંગ પ્રોફેશનલ એટિટ્યુડ એન્ડ પર્સનાલિટી ફોર સેલ્સ એક્સલન્સ” વિષય પર વિશેષ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વર્તમાન ઉદ્યોગજગતની અપેક્ષાઓ, વ્યાવસાયિક વર્તન અને સફળ કારકિર્દી માટે જરૂરી વ્યક્તિત્વના ગુણો અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ પ્રસંગે ટીમેક્સ રિટેલ લિમિટેડના વાઇસ ચેરમેન દિગ્વિજયસિંહ પરમાર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ.રમાકાંત પૃષ્ટિ એ મુખ્ય વક્તાનું સ્વાગત કર્યું હતું. પોતાના સ્વાગત પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓએ પોતાની કૌશલ્ય, નેતૃત્વ ક્ષમતા, વ્યક્તિત્વ વિકાસ અને વ્યાવસાયિક અભિગમ પર પણ સતત કાર્ય કરવું જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા આયોજિત આવા ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ સેશન, વર્કશોપ અને તાલીમ કાર્યક્રમોમાં સક્રિય ભાગ લઈ પોતાના વ્યક્તિત્વ અને કારકિર્દીના વિકાસ માટે તેનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડૉ. જયેશ જે. તન્ના એ કોલેજમાં નિયમિત રીતે આયોજિત ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ અને એલ્યુમ્નાઇ એક્સપર્ટ સેશન્સની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કોલેજ સતત ઉદ્યોગજગત અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચે સેતુરૂપ બની વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન અને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિગ્વિજયસિંહ પરમાર લાંબા સમયથી કોલેજ સાથે સંકળાયેલા રહી વિવિધ વિદ્યાર્થી વિકાસ પ્રવૃત્તિઓમાં માર્ગદર્શક તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ડૉ. આશિષ પી. ભુવાએ મુખ્ય વક્તા શ્રી દિગ્વિજયસિંહ પરમારનો વિસ્તૃત પરિચય આપતાં તેમના ઉદ્યોગજગતના અનુભવ, નેતૃત્વ ક્ષમતા અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં આપેલા યોગદાન અંગે માહિતી આપી હતી.
દિગ્વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે સેલ્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે વ્યક્તિમાં સકારાત્મક વલણ, આત્મવિશ્વાસ અને વ્યાવસાયિક અભિગમ હોવો અત્યંત આવશ્યક છે. તેમણે વિદ્યાર્થીઓને “Be a Front Seater” નો મંત્ર આપતાં જણાવ્યું હતું કે જીવનના દરેક ક્ષેત્રમાં આગળ રહેવાની માનસિકતા જ સફળતાની શરૂઆત છે. તેમણે વિદ્યાર્થીઓને દરેક પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેવા, પ્રશ્નો પૂછવાની હિંમત રાખવા અને સતત શીખવાની વૃત્તિ વિકસાવવાની સલાહ આપી હતી. તેમણે વધુમાં “Eye Contact” ના મહત્વ વિશે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે અસરકારક આંખનો સંપર્ક આત્મવિશ્વાસ અને વિશ્વસનીયતા દર્શાવે છે, જે સેલ્સ અને બિઝનેસ કોમ્યુનિકેશનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે “Walk 25% faster” ના સિદ્ધાંત દ્વારા સમજાવ્યું કે વ્યક્તિની ચાલ, બોડી લેંગ્વેજ અને પ્રસ્તુતિ તેની વ્યાવસાયિક છાપ ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થીઓને સંવાદની શરૂઆત કરવાની આદત વિકસાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અસરકારક કોમ્યુનિકેશન સ્કિલ્સ વ્યક્તિને નવી તકો, સંબંધો અને સફળતાના માર્ગે આગળ વધારવામાં મદદરૂપ બને છે. તેમણે “Winning Attitude” અંગે માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે સફળ વ્યક્તિઓ મુશ્કેલીઓને અવરોધ તરીકે નહીં પરંતુ નવી તક તરીકે જુએ છે. જીવનમાં નિષ્ફળતા આવે તો તેમાંથી શીખીને આગળ વધવું જોઈએ. તેમણે નેતૃત્વ કૌશલ્યો (Leadership Skills) ના મહત્વ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. એક્સપર્ટ સેશન દરમિયાન વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ કારકિર્દી વિકાસ, સેલ્સ ક્ષેત્રની તકો, વ્યક્તિત્વ વિકાસ અને કોર્પોરેટ જગતની અપેક્ષાઓ અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. મુખ્ય વક્તાએ પોતાના અનુભવના આધારે વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે એક્સપર્ટ સેશન ખૂબ જ પ્રેરણાદાયી, જ્ઞાનવર્ધક અને વ્યવહારુ અનુભવોથી સમૃદ્ધ રહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ દ્વારા તેમને વ્યાવસાયિક જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી કૌશલ્યો અને વ્યક્તિત્વ વિકાસ અંગે મૂલ્યવાન માર્ગદર્શન પ્રાપ્ત થયું છે, જે તેમના ભવિષ્યના કારકિર્દી નિર્માણમાં અત્યંત ઉપયોગી સાબિત થશે.
સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય, ડૉ. રમાકાંત પૃષ્ટિના માર્ગદર્શન હેઠળ ઉપાચાર્ય ડૉ. જયેશ તન્ના, ડૉ..આશિષ ભૂવા, ડૉ.નીરવ જોશી, ડૉ.અમિતા પ્રજાપતિ, ડૉ.વિપલ પટેલ, પ્રો.કૃપા વાઘેલા દ્વારા સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ