
પોરબંદર, 13 જૂન (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે તે હેતુસર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. મેયર સાગરભાઇ મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શનમાં પોરબંદર વાસીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) દ્વારા કાર્યપાલક ઇજનેર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પોરબંદરને પાઠવાયેલા પત્રમાં જણાવાયું છે કે હાલમાં પોરબંદર શહેરને ફોદાળા ડેમમાંથી આશરે 20 થી 22 એમએલડી, ખંભાળા ડેમમાંથી આશરે 05 થી 06 એમએલડી તેમજ નર્મદા પાઇપલાઇન-38 દ્વારા આશરે 10 થી 12 એમએલડી પાણી પુરવઠો આપવામાં આવે છે. પરંતુ નર્મદા પાઇપલાઇન મારફતે મળતો પાણી પુરવઠો અનિયમિત તેમજ પૂરતા દબાણ વિના મળતો હોવાનું અને ઉનાળાની પરિસ્થિતિને કારણે ફોદાળા તથા ખંભાળા ડેમમાં પાણીનું સ્તર નીચું હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં પૂરતા દબાણથી પાણી પહોંચાડવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને અગાઉ થયેલી ચર્ચા મુજબ ભાદર ડેમમાંથી નવી પાઇપલાઇન નાખી પોરબંદર આવતી નર્મદા પાઇપલાઇન-38 સાથે જોડાણ કરી આપવા વિનંતી કરવામાં આવી છે. આ જોડાણથી પોરબંદર શહેરને વધુ નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહેશે તેમજ નાગરિકોને પાણીની સમસ્યામાંથી રાહત મળશે, તેની ખાત્રી મેયર સાગરભાઇ મોદી દ્વારા આપવામાં આવી છે. મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોના હિતમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે જરૂરી કાર્યવાહી ઝડપથી હાથ ધરવા સંબંધિત વિભાગને અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya