




પોરબંદર, 13 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પ્રધાન સેવક’ તરીકે નેતૃત્વના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લામાં આયોજિત જન કલ્યાણ શિબિરોને ગ્રામજનો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લા પંચાયતની ફટાણા, માધવપુર, ઓડદર અને ચૌટા બેઠકો હેઠળ વિવિધ સ્થળોએ જન કલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા પંચાયત ફટાણા બેઠક હેઠળ બગવદર ગ્રામ પંચાયત ખાતે, માધવપુર બેઠક હેઠળ માધવપુર ગ્રામ પંચાયત ખાતે, ઓડદર બેઠક હેઠળ રાતીયા મેર સમાજ ખાતે તેમજ ચૌટા બેઠક હેઠળ ગોકરણ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી શિબિરોમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી મેળવી અને સ્થળ પર જ લાભ મેળવ્યો હતો.
શિબિર દરમિયાન જિલ્લા પંચાયતોની સીટમાં સમાવિષ્ટ વિવિધ ગામોના લાભાર્થીઓ પાસેથી અરજીઓ સ્વીકારવામાં આવી હતી તેમજ અનેક નાગરિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મંજૂર કરીને પ્રમાણપત્રો અને સહાયનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને યોજનાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ જિલ્લા પંચાયતની અન્ય બેઠકોમાં જન કલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવશે.
જન કલ્યાણ શિબિરો દરમિયાન જિલ્લાના આગેવાનો, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, અધિકારીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya