
કચ્છ, 13 જૂન (હિ.સ.) : કચ્છમાં એક તરફ ઉનાળાની આકરા ગરમી લોકોની મુશ્કેલીઓ વધારી રહી છે, ત્યારે બીજી તરફ જીવનદાયી ગણાતા પાણીનો મોટા પાયે વેડફાટ થવાની ઘટના સામે આવી છે. ભુજ નજીક માધાપર વિસ્તારમાં શનિવારે બપોરના સમયે નર્મદા જળવાહિનીમાં અચાનક ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી બિનજરૂરી રીતે વહી ગયું હતું. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં પાણીના ઊંચા ફુવારા ઊડતા જોવા મળ્યા હતા, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ પાઇપલાઇનમાં થયેલા ભંગાણના કારણે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે આશરે વીસ ફૂટથી વધુ ઊંચાઈ સુધી પાણીના ફુવારા ઉછળ્યા હતા. થોડી જ વારમાં રસ્તા અને આસપાસના વિસ્તારો પાણીથી છલકાઈ ગયા હતા. ગરમીથી પરેશાન કેટલાક વાહનચાલકો અને યુવાનો આ અચાનક સર્જાયેલા પાણીના ફુવારાઓમાં ભીંજાઈને રાહત મેળવતા પણ નજરે પડ્યા હતા. કેટલાક લોકોએ તો પોતાના વાહનો પણ ત્યાં જ ધોઈ નાખ્યા હતા.
જોકે આ દૃશ્ય ઘણા લોકો માટે કુતૂહલ અને મનોરંજનનું કેન્દ્ર બન્યું હતું, પરંતુ બીજી તરફ પાણીની અછતનો સામનો કરી રહેલા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. કચ્છના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત છે અને લોકોને મર્યાદિત પાણી પુરવઠા પર નિર્ભર રહેવું પડે છે. આવી સ્થિતિમાં લાખો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી જતાં લોકોમાં તંત્ર પ્રત્યે અસંતોષ વ્યક્ત થયો હતો.
સ્થાનિક રહિશોનું કહેવું છે કે પાણી જેવી અમૂલ્ય સંપત્તિનો આ પ્રકારનો વેડફાટ ચિંતાજનક છે. તેમણે જવાબદાર વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં ભરવાની માંગણી કરી છે.
ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને લીકેજને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી હતી. જોકે, ત્યાં સુધીમાં મોટી માત્રામાં પાણી વેડફાઈ ચૂક્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર પાણીના સંરક્ષણ અને જળવાહિનીઓની સમયાંતરે તપાસ કરવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar