
મહેસાણા, 13 જૂન (હિ.સ.) : મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલના સતત પ્રયત્નોથી માણસા ખાતે દિવ્યાંગજનો માટે વિશાળ 'દિવ્યાંગજન સહાય વિતરણ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ADIP યોજના અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં 232 દિવ્યાંગ લાભાર્થીઓને કુલ 37,46,626 રૂપિયાના 403 સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનું આયોજન સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ALIMCO, ગુજરાત સરકાર તથા ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સાંસદ હરિભાઈ પટેલના હસ્તે લાભાર્થીઓને સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલે પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કર્યા હતા.
કેમ્પ દરમિયાન અગાઉ નોંધાયેલા અને એસેસમેન્ટ કરાયેલા લાભાર્થીઓને તેમની જરૂરિયાત અનુસાર મોટોરાઇઝ્ડ ટ્રાઇસીકલ, સાદી ટ્રાઇસીકલ, વ્હીલચેર, કેલિપર્સ, બ્લાઇન્ડ સ્ટિક, હિયરિંગ એઇડ, TLM કીટ સહિત કુલ 34 પ્રકારના વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધનો દિવ્યાંગજનોના દૈનિક જીવનને વધુ સરળ અને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
કાર્યક્રમમાં ગાંધીનગર કલેક્ટર રવીન્દ્ર ખતાલે, પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ભાજપના આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ALIMCOની ટીમ ઉપસ્થિત રહી હતી. આ કેમ્પ દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કલ્યાણ માટેની મહત્વપૂર્ણ પહેલ તરીકે સાબિત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR