
મહેસાણા, 13 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લા પેરોલ/ફર્લો સ્કોડે વધુ એક સફળ કામગીરી હાથ ધરી બે વર્ષથી ફરાર રહેલા NDPS કેસના આરોપીને મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી ઝડપી પાડ્યો છે. રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે CID ક્રાઇમ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ નંદાસણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટની કલમ 8(સી), 22(સી) અને 29 હેઠળના ગુનામાં વોન્ટેડ આરોપી આસિફ ઉર્ફે મુખી શાકીરભાઈ અનવરભાઈ સૈયદ છેલ્લા બે વર્ષથી ફરાર હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે પેરોલ/ફર્લો સ્કોડને આરોપી મહારાષ્ટ્રમાં હોવાની બાતમી મળી હતી.
આ બાતમીના આધારે પેરોલ/ફર્લો સ્કોડની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી. તપાસ દરમિયાન આરોપી પાલઘર જિલ્લાના પેલ્હાર વિસ્તારમાં આવેલા યશ એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચી તેની ઓળખની ખાતરી કરી આરોપીની ધરપકડ કરી હતી.
ધરપકડ અંગેની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને મહેસાણા લાવવામાં આવ્યો હતો અને નંદાસણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. હવે પોલીસે તેની સામે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરી PSI કે.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ASI ચેતનકુમાર, ASI નરેન્દ્રસિંહ તથા પેરોલ/ફર્લો સ્કોડની ટીમે અંજામ આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR