


- જામા મસ્જિદના ઐતિહાસિક મૂળ અને અસ્તિત્વને લઈને વિવાદ વકર્યો
- સ્મારકમાં કોઈ પણ પ્રકારના નવા બાંધકામ પર પ્રતિબંધ મૂકવા સંતોની ઉગ્ર માંગ
ભરૂચ 15 જૂન (હિ.સ.) ભરૂચ શહેરમાં આવેલી ઐતિહાસિક ધરોહરના મૂળ સ્વરૂપની જાળવણી અને સુરક્ષાને લઈને સ્થાનિક રાજકારણ અને સામાજિક વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. ભરૂચની ઐતિહાસિક જૈન સમળી વિહાર મંદિર અને જામા મસ્જિદના મૂળ અસ્તિત્વ અને તેના પુરાતત્વીય ઇતિહાસને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે સંત સમાજ પણ આક્રમક મૂડમાં મેદાને આવ્યો છે. આજે સંત સમાજ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરી વહીવટી તંત્ર ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે સંત સમાજના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ શક્તિનાથ માર્ગે કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી.આ રેલીમાં હિન્દૂ તેમજ જૈન સમાજના આગેવાનો, સાધુ-સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. રેલી દરમિયાન જામા મસ્જિદ મૂળ જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને ઐતિહાસિક ધરોહરની મૂળ ઓળખ જાળવી રાખવાની માંગ ઉઠાવવામાં આવી હતી.રેલી પૂર્ણ થયા બાદ પ્રતિનિધિમંડળ દ્વારા 35 હજારથી વધુ લોકોના હસ્તાક્ષર
રેલી દરમિયાન સંત સમાજ દ્વારા સ્પષ્ટ અને મક્કમ શબ્દોમાં માંગ કરવામાં આવી હતી કે, ભરૂચની આ પ્રાચીન અને ઐતિહાસિક ધરોહરને તેના અસલી અને મૂળ સ્વરૂપે જ જાળવવામાં આવે. આ ઉપરાંત, આ સ્મારક પરિસરમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદે કે નવું આધુનિક બાંધકામ કરવામાં ન આવે તેવી રજૂઆત સંતો દ્વારા ઉચ્ચ સ્તરે કરવામાં આવી છે. સંતોનું કહેવું છે કે ઐતિહાસિક વારસા સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સાંખી લેવામાં નહીં આવે.
આ સંવેદનશીલ મુદ્દાને પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય નહીં તે માટે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર અગાઉથી જ એલર્ટ મોડ પર આવી ગયું હતું. સમગ્ર રેલી અને કાર્યક્રમ દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત અને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.શહેરના વિવિધ સંવેદનશીલ પોઈન્ટ્સ અને સ્થળો પર ચુસ્ત પોલીસ જવાનો તૈનાત કરાયા હતા.ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જાતે સમગ્ર રૂટનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસની સતર્કતાને કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.
ભરૂચમાં યોજાયેલી આ ભવ્ય રેલી અને સંતોની આક્રમક રજૂઆત બાદ સમગ્ર પંથકમાં જામા મસ્જિદ અને તેના ઐતિહાસિક મૂળને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. આ સ્મારકનો પ્રાચીન ઇતિહાસ શું છે અને તેના મૂળ સ્થાપત્ય પાછળ કયા તથ્યો છુપાયેલા છે, તેને લઈને સ્થાનિકોથી લઈને ઇતિહાસકારોમાં પણ ચર્ચાનો દોર વધુ તેજ બન્યો છે. આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ જોર પકડે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ