
સુરત, 15 જૂન (હિ.સ.): સમગ્ર વિશ્વમાં તા-14મી જૂનના રોજ 'વિશ્વ રક્તદાતા દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે લાલ દરવાજા વિસ્તારની સોહમ રેસિડેન્સીના નાગરિકો અને સોહમ ડોક્ટર્સ ગ્રુપ દ્વારા માનવતાના કલ્યાણ અર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને સોહમ ડોક્ટર્સ ગ્રુપના માર્ગદર્શન હેઠળ કુલ 76 યુનિટ રક્ત એકત્ર કરી સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના બ્લડ બેન્કમાં અર્પણ કરાયું હતું.
આવનારી પેઢીમાં પણ આ અંગે જાગૃતિ આવે તે માટે સોહમ રેસિડેન્સીના બાળકો માટે ખાસ રક્તદાન જાગૃતિ વિષય પર પોસ્ટર કોમ્પિટિશનનું આયોજન કરાયુ હતું. જેમાં બાળકોએ પોતાની કલા અને રંગોના માધ્યમથી રક્તદાનનું મહત્વ સમજાવતા અદ્ભુત ચિત્રો દોર્યા હતા. કેમ્પના અંતે માનવતાના આ પવિત્ર કાર્યમાં સહભાગી થનાર તમામ રક્તદાતાઓને સોહમ ડોક્ટર ગ્રુપ દ્વારા સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
કેમ્પ દરમિયાન ઉપસ્થિત તબીબો અને અગ્રણીઓએ રક્તદાનની સાચી વ્યાખ્યા અને મહિમા સમજાવતા જણાવ્યું હતું કે, રક્તદાન એ જ સાચું મહાદાન છે, કારણ કે, જે લોહી આપણે પોતે કમાયા નથી, જાતે ફેક્ટરીમાં બનાવ્યું નથી કે, આપણી મહેનતથી પ્રાપ્ત કર્યું નથી, તે કુદરતી લોહીનું દાન કરવું એ જ સાચું પરમાર્થ છે. સમાજના કોઈપણ વર્ગની, અમીર કે ગરીબ વ્યક્તિ કોઈપણ જાતના ભેદભાવ વગર અને નિઃસ્વાર્થ ભાવે આપી શકે તેવું જો કોઈ એકમાત્ર દાન હોય તો તે રક્તદાન છે. આ એવું અનોખું દાન છે જે આપવાથી ક્યારેય આપણી પાસેથી ઘટતું નથી, પરંતુ નવું રક્ત બનવાથી આપણું સ્વાસ્થ્ય વધુ સારું રહે છે.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલ ખાતે તબીબો અને તબીબી સ્ટાફે નિયમિત તેમજ સ્વૈચ્છિક રક્તદાન કરવાની પવિત્ર પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે તબીબોએ જણાવ્યું હતું કે, અકસ્માત, સર્જરી અને થેલેસેમિયા જેવી ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓનો જીવ બચાવવા માટે સ્વૈચ્છિક અને નિ:શુલ્ક રક્તદાન એ સમયની મુખ્ય જરૂરિયાત છે. કૃત્રિમ રીતે રક્ત બનાવી શકાતું ન હોવાથી, માનવ રક્તનો એકમાત્ર સ્ત્રોત સાથી મનુષ્ય જ છે. કોઈ પણ અપેક્ષા વગર, નિ:શુલ્ક ભાવે કરવામાં આવેલું રક્તદાન એ જ સાચું મહાદાન છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા લોકોને પણ કોઈ પણ પ્રકારના ડર વગર આગળ આવીને નિયમિત રક્તદાન કરવા અને સમાજ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા ખાસ અપીલ કરવામાં આવી છે.
જીવનનો સાચો આનંદ માત્ર કંઈક લેવામાં કે મેળવવામાં જ નથી હોતો, પરંતુ કોઈના અમૂલ્ય જીવનને બચાવવા માટે કંઈક નિરપેક્ષ ભાવે આપવામાં પણ એક અનોખો આનંદ હોય છે. સોહમ રેસિડેન્સીના રહીશોએ ‘LET’S DONATE BLOOD’ના સૂત્રો સાથે સમાજને રક્તદાન કરવાનો પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે