વડાપ્રધાન મોદીનું ઉત્કૃષ્ઠ વિઝન: સૌરાષ્ટ્રના દર્દીઓ માટે સંજીવની સમાન જૂનાગઢની 800 બેડની સિવિલ હોસ્પિટલ
જુનાગઢ, 15 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ''’સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ''’ ના મંત્રને સાર્થક કરતું એક જીવંત ઉદાહરણ એટલે જૂનાગઢની જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ... વડાપ્ર
જૂનાગઢની ૮૦૦ બેડની સિવિલ હોસ્પિટલ


જુનાગઢ, 15 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના '’સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'’ ના મંત્રને સાર્થક કરતું એક જીવંત ઉદાહરણ એટલે જૂનાગઢની જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ... વડાપ્રધાનના દૂરોગામી વિઝન અને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી સુધારાઓના પરિણામે આજે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને ખાનગી હોસ્પિટલોના ખર્ચામાંથી મુક્તિ મળી છે. આ માત્ર એક હોસ્પિટલ નથી, પરંતુ પીડામાંથી મુક્તિ આપતું એક પવિત્ર મંદિર છે. જ્યાં ડૉક્ટરોની સંવેદનશીલતા અને સરકારની કલ્યાણકારી યોજનાઓ મળીને રોજ સારવારથી સ્વસ્થ થતાં સેંકડો પરિવારોના ઘરમાં ખુશીઓના દીવા પ્રગટાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૨ માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ભગીરથ કાર્યનો ખાતમુહૂર્ત કરીને પાયો નાખ્યો હતો. જ્યારે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જ વર્ષ ૨૦૧૮ માં આ સંસ્થાનું લોકાર્પણ પણ કર્યું હતું.

જૂનાગઢ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ક્ષેત્રે એક અગ્રણી સંસ્થા તરીકે ઉભરી આવી છે. ૩૭ એકરના અદ્યતન કેમ્પસમાં ફેલાયેલી આ સંસ્થા કઠોર શૈક્ષણિક તાલીમ અને સંવેદનશીલ દર્દી સેવાનો અદભૂત સમન્વય પૂરો પાડે છે. મેડિકલ ક્ષેત્રની પ્રતિભાઓને તૈયાર કરવાના વિઝન સાથે સ્થપાયેલી આ કોલેજમાં વર્ષ ૨૦૧૫ થી તમામ પ્રવેશ પ્રક્રિયા કડક રીતે 'નીટ યુજી' (NEET UG) મેરિટના આધારે જ હાથ ધરવામાં આવે છે. દર વર્ષે ૨૦૦ વિદ્યાર્થીઓની પ્રવેશ ક્ષમતા ધરાવતી આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં અંદાજે ૧૦, ૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ તબીબી સ્નાતક (ગ્રેજ્યુએટ) થયા છે.

ઉચ્ચ તબીબી શિક્ષણ તરફ આગળ વધતા, સંસ્થાને ૨૭ એમડી (MD) અને એમએસ (MS) પોસ્ટ-ગ્રેજ્યુએટ (PG) બેઠકોની મંજૂરી મળી ચૂકી છે. તેમજ ડીએનબી (DNB) પીજી કોર્સ પણ સફળતાપૂર્વક ચલાવવામાં આવે છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) ના નિયમો અનુસાર અહીં સઘન મેડિકલ ટ્રેનિંગ, ઇન્ટર્નશિપ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ (Co-curricular activities) કરાવવામાં આવે છે.

સંસ્થાના ડીન ડૉ.હનુમંત શિવદાસ આમળેએ જણાવ્યું હતું કે, આ કેમ્પસ ફેકલ્ટીની તપસ્યા અને વિદ્યાર્થીઓની કઠોર મહેનતના કારણે શિક્ષણ, સંશોધન અને માનવતાનું પવિત્ર મંદિર બન્યું છે. આ સાથે જ ડૉ.દિનેશ પરમાર (એડિશનલ ડીન અને ફિઝિયોલોજી વિભાગના વડા) એ ઉમેર્યું કે, કેમ્પસમાં ૨૪ કલાક કાર્યરત ફિઝિકલ લાયબ્રેરી અને ઈ-લાયબ્રેરી, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ માટે ડાઈનિંગ મેસની સગવડ સાથેના અલગ હોસ્ટેલ કેમ્પસ અને નર્સિંગ સ્ટાફ તથા ફેકલ્ટી માટે અલગ ક્વાર્ટર્સ જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અદ્યતન ક્લિનિકલ અને હિમેટોલોજી લેબના માધ્યમથી એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમેસ્ટ્રી જેવા વિષયોનું પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે.

આ ઉપરાંત, ડૉ. મેહુલ ટંડેલ (પ્રોફેસર અને હેડ, એનાટોમી વિભાગ) એ જણાવ્યું કે, અનુભવી તબીબી શિક્ષકોની ટીમ દ્વારા એનાટોમી, ફિઝિયોલોજી, બાયોકેમેસ્ટ્રી, માઈક્રોબાયોલોજી, પેથોલોજી, ફાર્મેકોલોજી, કોમ્યુનિટી મેડિસિન અને ફોરેન્સિક મેડિસિન જેવા તમામ વિભાગો કાર્યરત છે. એનાટોમી વિભાગમાં એકસાથે ૨૦૦ વિદ્યાર્થીઓ ભણી શકે તેવી વ્યવસ્થા છે. અત્યાર સુધીમાં અહીં ૧૦૫ થી વધુ સફળ 'દેહદાન' સ્વીકારવામાં આવ્યા છે, જે તબીબી સંશોધન અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અમૂલ્ય યોગદાન પૂરું પાડે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયેલી ૮૦૦ બેડની સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ, અત્રેના વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ગત વર્ષે હોસ્પિટલના ઓપીડી (OPD) વિભાગમાં ૪,૭૦,૦૦૦ દર્દીઓએ અને ઇનડોર (IPD) વિભાગમાં ૮૩,૦૦૦ દર્દીઓએ દાખલ થઈને નિઃશુલ્ક સારવાર મેળવી હતી. હોસ્પિટલમાં મેડિસિન, ઓર્થોપેડિક, સર્જરી, પીડિયાટ્રિક્સ, ગાયનેકોલોજી, સ્કીન, સાયકાટ્રિક અને ડેન્ટિસ્ટ્રી જેવા વિશેષ વિભાગો ૩૬૫ દિવસ ૨૪*૭ ઇમર્જન્સી સેવાઓ આપે છે. હોસ્પિટલ પાસે ૯૦ બેડનું વિશાળ આઈસીયુ (ICU) નેટવર્ક છે. જેમાં સર્જિકલ, મેડિકલ, ઓબ્સ્ટેટ્રિક, ગાયનેકોલોજીકલ આઈસીયુ અને નવજાત શિશુઓ માટે ૨૫ બેડનું ખાસ એનઆઈસીયુ (NICU/PICU) ઉપલબ્ધ છે.

ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓના કારણે હોસ્પિટલને રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્રો મળ્યા છે. બાળકોની ઉત્કૃષ્ટ સારવાર માટે તાજેતરમાં પીડિયાટ્રિક્સ વિભાગને કેન્દ્ર સરકારના 'મુસ્કાન' કાર્યક્રમ હેઠળ પ્રમાણપત્ર મળ્યું છે. તે જ રીતે, ગર્ભવતી માતાઓની ગુણવત્તાયુક્ત સુવાવડ માટે ગાયનેકોલોજી વિભાગને 'લક્ષ્ય' પ્રોગ્રામ હેઠળ સર્ટિફિકેશન મળ્યું છે. જ્યાં દર વર્ષે ૬,૦૦૦ થી વધુ નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી થાય છે. તાજેતરમાં જ 'સીએમ સેતુ' કાર્યક્રમ અંતર્ગત સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ટીમ પણ અહીં ફાળવવામાં આવી છે.

હોસ્પિટલમાં ખાનગી જેવી જટિલ સર્જરીઓ તદ્દન મફત કરવામાં આવે છે. તાજેતરમાં, શેરડીના સંચામાં હાથ આવી જવાથી અતિ ગંભીર હાલતમાં પહોંચેલા એક દર્દીના કપાયેલા હાથને પ્લાસ્ટિક સર્જન્સની ટીમે ૭ કલાક લાંબી જટિલ પ્લાસ્ટિક સર્જરી કરીને સફળતાપૂર્વક ફરીથી જોડી આપ્યો હતો. આવી સર્જરી પ્રાઇવેટ હોસ્પિટલમાં ₹૫ લાખથી વધુના ખર્ચે થાય છે.

આ ઉપરાંત, આયુષ્માન કાર્ડ યોજના હેઠળ દર મહિને ૧,૦૦૦ થી વધુ દર્દીઓ મફત સારવાર મેળવે છે. હોસ્પિટલના ફ્રી ડાયાલિસિસ પ્લાન્ટમાં ગત વર્ષે ૫,૦૦૦ કિડનીના દર્દીઓએ નિઃશુલ્ક સારવાર લીધી હતી, અને આવા દર્દીઓને સરકાર તરફથી ₹૩૦૦ નું પ્રવાસ ભથ્થું પણ આપવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande