
સુરત, 15 જૂન (હિ.સ.) : સુરતના ભટાર વિસ્તારમાં આજે એક ગંભીર અને ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. બાઈક ચલાવી રહેલા એક યુવકનો અકસ્માત થતાં બાઈકનું લોખંડનું સાઈડ સ્ટેન્ડ તેના પગમાં આરપાર ઘૂસી ગયું હતું. ઘટનાના પગલે યુવક અસહ્ય પીડામાં તડપી ઉઠ્યો હતો. આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા.
અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના પગમાં સ્ટેન્ડ ફસાયેલું હોવાથી તેને અત્યંત સાવચેતી સાથે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં યુવકને આ હાલતમાં જોઈને ત્યાં હાજર દર્દીઓ તેમજ તબીબી સ્ટાફ પણ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
પરિસ્થિતિની ગંભીરતા સમજી તબીબોએ તાત્કાલિક સર્જન અને નિષ્ણાત ડોક્ટરોની ટીમને કાર્યરત કરી યુવકને ઓપરેશન થિયેટરમાં ખસેડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ પગની મહત્વની નસોને મોટું નુકસાન થયું નથી અને સર્જરી દ્વારા સ્ટેન્ડ કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોની સમયસર સતર્કતા અને 108ની ઝડપી કામગીરીને કારણે યુવકને સમયસર સારવાર મળી શકી હોવાનું જાણવા મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે