
બોટાદ, 15 જૂન (હિ.સ.) : દેશને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી પ્રધાનમંત્રી સૂર્ય ઘર : મફત વીજળી યોજના દેશના સામાન્ય નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ લોકો પોતાના ઘરની છત પર સોલર રૂફટોપ પેનલ સ્થાપિત કરીને વીજળીનું ઉત્પાદન કરી શકે છે અને વીજ બિલમાં નોંધપાત્ર બચત મેળવી શકે છે.
બોટાદ જિલ્લામાં પણ આ યોજનાને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોના સંકલિત પ્રયાસોના પરિણામે અત્યાર સુધીમાં જિલ્લામાં ૯૨૮૧ સોલર રૂફટોપ પેનલો સ્થાપિત કરવામાં આવી છે. જેના કારણે હજારો પરિવારો સ્વચ્છ અને હરિત ઊર્જાનો લાભ મેળવી રહ્યા છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને કેન્દ્ર સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે, જેના કારણે સોલર પેનલ સ્થાપનાનો ખર્ચ ઘણો ઓછો થાય છે. સોલર ઊર્જાના ઉપયોગથી માત્ર વીજળીના ખર્ચમાં ઘટાડો જ થતો નથી, પરંતુ પર્યાવરણને પણ લાભ થાય છે. કોલસા અને અન્ય પરંપરાગત ઊર્જા સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટતા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે અને હરિત વિકાસને પ્રોત્સાહન મળે છે. બોટાદ જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સૂર્ય ઊર્જાના મહત્વને સમજીને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. સરકાર દ્વારા યોજનાની વ્યાપક જાણકારી, માર્ગદર્શન અને સરળ અરજી પ્રક્રિયાના કારણે વધુને વધુ નાગરિકો આ અભિયાન સાથે જોડાઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી સૂર્ય ઘર : મફત વીજળી યોજના માત્ર વીજળી બચાવવાનો કાર્યક્રમ નથી, પરંતુ સ્વચ્છ, હરિત અને ટકાઉ ભારતના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. બોટાદ જિલ્લામાં સ્થાપિત થયેલી ૯૨૮૧ સોલર રૂફટોપ પેનલો આ દિશામાં જિલ્લાના સકારાત્મક યોગદાન અને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA