ભુજમાં બટુક ભોજન બાદ બાળકોની તબિયત લથડી, 22 બાળકો હોસ્પિટલમાં ખસેડાતા આરોગ્ય તંત્ર દોડતું થયું
કચ્છ, 15 જૂન (હિ.સ.) : ભુજ શહેરના માધાપર નવાવાસ વિસ્તારમાં આવેલા ઐશ્વર્યાનગર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આયોજિત બટુક ભોજન કાર્યક્રમ બાદ અચાનક અનેક બાળકોની તબિયત બગડતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. રવિવારે એટલે કે ગત મોડીસાંજે ધાર્મિક પ્રસંગ નિમિત્ત
હોસ્પિટલ માં સારવાર લેતા બાળકો


હોસ્પિટલ માં સારવાર લેતા બાળકો


હોસ્પિટલ માં સારવાર લેતા બાળકો


કચ્છ, 15 જૂન (હિ.સ.) : ભુજ શહેરના માધાપર નવાવાસ વિસ્તારમાં આવેલા ઐશ્વર્યાનગર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આયોજિત બટુક ભોજન કાર્યક્રમ બાદ અચાનક અનેક બાળકોની તબિયત બગડતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. રવિવારે એટલે કે ગત મોડીસાંજે ધાર્મિક પ્રસંગ નિમિત્તે યોજાયેલા ભોજનમાં મોટી સંખ્યામાં બાળકો અને સ્થાનિકોએ પ્રસાદરૂપે જમણવારનો લાભ લીધો હતો. જોકે ભોજન લીધા બાદ મોડી રાત્રિના સમયે કેટલાક બાળકોને ઊલટી અને અશક્તિ જેવી તકલીફો શરૂ થતાં પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

માહિતી મુજબ 3 થી 13 વર્ષની વય ધરાવતા કુલ 22 બાળકોને એકસાથે તબિયત સંબંધિત સમસ્યાઓ ઉભી થતાં તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે બાળકોની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને જરૂરી તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચી બાળકોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

પ્રાથમિક તપાસમાં ભોજન દરમિયાન પીરસવામાં આવેલી કેટલીક ખાદ્ય સામગ્રીને કારણે ફૂડ પોઈઝનિંગની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ભોજનમાં દાળ-ભાત, સેવ-બુંદી અને છાશ જેવી વાનગીઓ પીરસવામાં આવી હતી. જોકે તબિયત બગડવાનું ચોક્કસ કારણ જાણવા માટે ખાદ્ય નમૂનાઓ એકત્રિત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ તપાસ શરૂ કરી છે. અધિકારીઓ દ્વારા ભોજન બનાવવાની અને પીરસવાની સમગ્ર પ્રક્રિયા અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આસપાસના વિસ્તારમાં ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેથી અન્ય કોઈ વ્યક્તિને સમાન પ્રકારની તકલીફ થઈ હોય તો સમયસર સારવાર મળી શકે.

સદનસીબે તમામ બાળકોની હાલત હાલ સ્થિર હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે. સારવાર હેઠળ રહેલા બાળકો સતત તબીબી દેખરેખમાં છે અને મોટાભાગના બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો નોંધાઈ રહ્યો છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે, જ્યારે સંબંધિત વિભાગો દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરીને હકીકત બહાર લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ઘટનાએ જાહેર પ્રસંગોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવાના મુદ્દાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande