નિકાહના બહાને સગીરાનું અપહરણ કરનાર આરોપી, રાપર પોલીસની ઝડપી કાર્યવાહીમાં ઝડપાયો
કચ્છ, 15 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લાના રાપર વિસ્તારમાં સગીરાનું અપહરણ કરીને તેની સાથે નિકાહ કરવાની મન્સા રાખનાર આરોપીને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળી છે. મહિલાઓ અને બાળકો સામે થતા ગુનાઓ પ્રત્યે કડક વલણ અપનાવતી પોલીસની સત
પોક્સો કેસમાં પકડાયેલ આરોપી


કચ્છ, 15 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લાના રાપર વિસ્તારમાં સગીરાનું અપહરણ કરીને તેની સાથે નિકાહ કરવાની મન્સા રાખનાર આરોપીને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળી છે. મહિલાઓ અને બાળકો સામે થતા ગુનાઓ પ્રત્યે કડક વલણ અપનાવતી પોલીસની સતર્ક કામગીરીના પરિણામે આ કેસમાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, 12 જૂન 2026ના રોજ રાપર પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણ અને પોક્સો કાયદા હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરોપીની શોધખોળ માટે વિશેષ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રાપર પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી, જેમણે ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને વિવિધ સૂત્રોની મદદથી આરોપીની હિલચાલ પર નજર રાખી હતી.

તપાસ દરમિયાન મળેલા મહત્વપૂર્ણ તારણોના આધારે પોલીસ ટીમે જાહીન અબ્દુલ ચૌહાણ (ઉંમર 27 વર્ષ), રહેવાસી સમાવાસ, રાપરને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં વધુ તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર મામલે વધુ પૂછપરછ અને તપાસ રાપર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલાઓ અને સગીરાઓ સામે થતા ગુનાઓમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવાના રાજ્ય પોલીસના નિર્દેશોને અનુસરીને આ કામગીરી કરવામાં આવી હતી. આરોપીની ધરપકડથી કેસના અનેક મહત્વપૂર્ણ પાસાઓ ખુલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર ઓપરેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળા, પીએસઆઈ ડી.જી. પટેલ, રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એલ. ખટાણા તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસની ઝડપી કામગીરીના કારણે સગીરાના પરિવારજનોને રાહત મળી છે અને આરોપીને કાયદાના કટઘરામાં લાવવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande