
કોલકતા, નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) : પશ્ચિમ બંગાળની પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીની સુરક્ષા વ્યવસ્થામાં ફેરફારને લઈને તૃણમૂલ કોંગ્રેસે રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીનો આરોપ છે કે, મમતા બેનર્જીની સુરક્ષામાં છેલ્લા બે દાયકાથી તૈનાત સરકારી સુરક્ષા કર્મીઓ (પીએસઓ)ને હટાવી દેવામાં આવ્યા છે.
રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ' બ્રાયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગે માહિતી આપી. તેમના અનુસાર, બુધવારે સાંજે ધર્મતલાથી સુભાષ મલ્લિક સ્ક્વેર સુધી કાઢવામાં આવેલા માર્ચ દરમિયાન મમતા બેનર્જીની સુરક્ષામાં જૂના પોલીસકર્મીઓ તૈનાત હતા, પરંતુ સાંજના લગભગ 7:30 વાગ્યે તેમને હટાવી દેવામાં આવ્યા અને તેમની જગ્યાએ નવા સુરક્ષા કર્મીઓની નિયુક્તિ કરી દેવામાં આવી.
ડેરેક ઓ' બ્રાયને દાવો કર્યો કે, હટાવવામાં આવેલા સુરક્ષા કર્મીઓ લગભગ 20 વર્ષથી મમતા બેનર્જીની સુરક્ષા સાથે જોડાયેલા હતા. તૃણમૂલનું કહેવું છે કે, આ ફેરફારને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ દરમિયાન, કોઈપણ સંભવિત અપ્રિય ઘટનાને રોકવાના હેતુથી દક્ષિણ કોલકતાના કાલીઘાટ સ્થિત મમતા બેનર્જીના નિવાસસ્થાન બહાર અસ્થાયી ‘વ્યૂ કટર’ અથવા દૃશ્ય અવરોધક દિવાલ પણ લગાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વ્યવસ્થા સુરક્ષા કારણોસર કરવામાં આવી છે, જેથી બહારથી નિવાસસ્થાનની અંદરની પ્રવૃત્તિઓ પર સીધી નજર ન રાખી શકાય.
નવાન્ન સૂત્રોના અનુસાર, પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાનની સુરક્ષાની જવાબદારી સુરક્ષા નિદેશાલય હેઠળ છે અને એ જ સ્તરે સુરક્ષા સમીક્ષા બાદ આ અસ્થાયી રચના લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમ છતાં, રાજ્ય પ્રશાસનની તરફથી સુરક્ષા કર્મીઓમાં ફેરફાર અથવા વ્યૂ કટર લગાવવામાં આવ્યા અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસે આ ઘટનાક્રમને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાવતા મામલાની દેખરેખ જાળવવાની વાત કહી છે. સાંસદ કલ્યાણ બેનર્જીએ પણ આ અંગે ટિપ્પણી કરી છે અને આ કાર્યવાહી દુર્ભાગ્યજનક હોવાનું જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ