
સુરત, 21 જૂન (હિ.સ.) : સુરતના ઉમરા વિસ્તારમાં શુક્રવારે સવારે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી હતી. SVNIT સર્કલ નજીક એક્ટિવા પર જઈ રહેલા પત્રકાર ધનરાજ બાગલેને પૂરઝડપે દોડી આવેલી કિયા કારએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ધનરાજભાઈ હવામાં ઉછળીને રોડ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.
અકસ્માત બાદ કારચાલકે ઘાયલ પત્રકારને મદદ કરવાની જગ્યાએ સ્થળ પરથી ફરાર થઈ જવાનું પસંદ કર્યું હતું. ઘટનાસ્થળે હાજર અને રસ્તેથી પસાર થતા લોકોએ તાત્કાલિક મદદ પહોંચાડી હતી. અકસ્માતમાં ધનરાજભાઈના ડાબા પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સૂત્રોના આધારે ઝડપી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કિયા કાર ચલાવનાર દેવાંશ સંજયભાઈ બંસલ (28), રહેવાસી પીપલોદ, સુધી પહોંચીને પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો. અકસ્માત સમયે કારની વધુ ઝડપ પાછળનું કારણ શું હતું તે અંગે પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે