
પાટણ, 21 જૂન (હિ.સ.) : હારીજ કેળવણી મંડળ સંચાલિત કે.પી. હાઈસ્કૂલના પટાંગણમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, નગરપાલિકા, પોલીસ વિભાગ તેમજ આંગણવાડી કેન્દ્રોની બહેનો અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન સહભાગીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરીને યોગનું મહત્વ સમજ્યું હતું. યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે અસરકારક સાધન હોવાનું જણાવાયું હતું. વિશ્વભરની સાથે ગુજરાતમાં પણ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ પ્રસંગે દશરથજી ઠાકોર, ગીરીશ ઠાકર, ધર્મેશભાઈ સચ્ચદે, ચક્ષુક મહેતા, એ. જે. મહેરાઈ તેમજ શહેર ભાજપા ટીમ અને વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ