
પાટણ, 21 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં ઝેરોક્ષની દુકાનની આડમાં નકલી ₹500ની ચલણી નોટો છાપવાનું કૌભાંડ એલસીબી પોલીસે પર્દાફાશ કર્યું છે. પોલીસે 492 નકલી નોટો સહિત પ્રિન્ટિંગ સાધનો જપ્ત કર્યા છે.
ચોક્કસ બાતમીના આધારે એલસીબી, ચાણસ્મા પોલીસ અને એફએસએલની ટીમે દરોડો પાડી કોમ્પ્યુટર અને કલર પ્રિન્ટરની મદદથી નકલી નોટો બનાવાતી હોવાનો ભાંડો ફોડ્યો હતો. કુલ રૂ. 1.01 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આ કેસમાં દેલમાલના નિકુલજી હમીરજી ઠાકોર અને એક બાળ કિશોરને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે ધીરજ ચૌહાણ, કૈલાશ અને પપ્પુ ઠાકોર સહિત ત્રણ આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ ચાલુ છે.
પ્રાથમિક તપાસમાં આરોપીઓનું દિલ્હી કનેક્શન સામે આવ્યું છે. નકલી નોટો દિલ્હી પહોંચાડવાની યોજના હોવાનું ખુલ્યું છે. પોલીસ હવે રેકેટનો વ્યાપ, બજારમાં ફરેલી નોટો અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ