
સુરત, 21 જૂન (હિ.સ.) : વરાછા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા દોઢ વર્ષથી પોલીસથી બચતો ફરતો આરોપી આખરે પોલીસના જાળમાં ફસાઈ ગયો છે. શુભકરણ રાજમન વિશ્વકર્મા (ઉં.વ. 24), જે હાલમાં કડોદરાની ગાર્ડન સિટી વિસ્તારમાં રહે છે, તેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ પોતાના સાથીદાર સાથે મળીને એક નાગરિકના હાથમાંથી વન પ્લસ કંપનીનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો.
આરોપીની શોધ માટે વરાછા પોલીસ સતત પ્રયાસ કરી રહી હતી. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને માહિતી મળી કે આરોપી કડોદરા વિસ્તારમાં મજૂરી કામ કરીને છુપાઈને રહે છે. મળેલી બાતમીના આધારે પોલીસે ગાર્ડન સિટી નજીક વોચ ગોઠવી અને સફળ ઓપરેશન હાથ ધરી તેને ઝડપી પાડ્યો હતો.
આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉપરાંત તેના ગુનાહિત ઇતિહાસની તપાસ, તેમજ આ કેસમાં સામેલ અન્ય સાથીદારો સુધી પહોંચવા માટે પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ હવે આ ગુનાથી જોડાયેલા અન્ય તથ્યો અને સંડોવાયેલા લોકો અંગે વધુ માહિતી એકત્ર કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે