
પાટણ, 21 જૂન (હિ.સ.) : પાટણ શહેરના ખાલકપુરા બોકરવાડા વિસ્તારમાં રહેતી સોનલબેન ઠાકોરના આપઘાત મામલે તેમના પતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મૃતકના ભાઈ દશરથજી ઠાકોરની ફરિયાદના આધારે પાટણ સીટી ‘એ’ ડિવિઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ સોનલબેનના લગ્ન આશરે 14 વર્ષ અગાઉ વિજયજી રમેશજી ઠાકોર સાથે થયા હતા અને દંપતીને એક પુત્ર છે. લગ્નજીવન દરમિયાન પતિ-પત્ની વચ્ચે વારંવાર વિવાદ થતા સોનલબેન છેલ્લા સાત વર્ષથી પોતાના પિયર આંબલુણ ગામે રહેતી હતી.
બંને પક્ષો વચ્ચે સમાધાન થયા બાદ 13 મે, 2026ના રોજ સોનલબેનને ફરી સાસરે મોકલવામાં આવ્યા હતા. જોકે થોડા સમય બાદ પતિ દ્વારા ફરીથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સતત હેરાનગતિથી કંટાળીને સોનલબેને 15 જૂન, 2026ના રોજ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 20 જૂન, 2026ના રોજ તેમનું મોત નીપજ્યું હતું.
મૃત્યુ બાદ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ વિજયજી રમેશજી ઠાકોર સામે BNSS કલમ 173 તેમજ BNS કલમ 85 અને 108 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ