



2 ઇસમોની અટકાયત સાથે 16.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
22 ટન વજનની લોખંડની ચેનલો ભરી ગેરકાયદેસર લઈ જવાતી હતી
લોખંડનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં પોલીસ તપાસ તેજ
ભરૂચ 24 જૂન (હિ.સ.)
અંકલેશ્વર શહેરમાં ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસે પેટ્રોલિંગ અને તપાસ તેજ કરી છે. તે અંતર્ગત પોલીસે એક મોટી કાર્યવાહી કરીને નોબલ માર્કેટ વિસ્તારમાંથી લાખો રૂપિયાના શંકાસ્પદ મુદ્દામાલ સાથે બે ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરતા બાતમીના આધારે વોચ ગોઠવી 22 હજાર કિલોથી વધુ લોખંડની ચેનલો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના આંબોલી-ઉંમરવાડા માર્ગ ઉપરથી શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને શંકાસ્પદ લોખંડના ભંગારથી ભરેલા આઇસર ટેમ્પા સાથે બે ઇસમોની અટકાયત કરી છે. પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ માર્ગ પરથી લોખંડનો શંકાસ્પદ ભંગાર ભરીને એક આઇસર ટેમ્પો પસાર થવાનો છે, જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમે વોચ ગોઠવી હતી.
તે અરસામાં બાતમીવાળો ટેમ્પો GJ 16 AW 6643
આવતા જ પોલીસે તેને આંતરીને તલાશી લીધી હતી. ટેમ્પોની તપાસ દરમિયાન તેમાંથી મોટા પ્રમાણમાં લોખંડની હેવી ચેનલો મળી આવી હતી, જે અંગેના કોઈ કાયદેસરના આધાર-પુરાવા ચાલકે રજૂ કરી શક્યા ન હતા. આથી અટક કરી પોલીસે આ કાર્યવાહીમાં રૂપિયા 9.11 લાખની કિંમતનો આશરે 22774 કિલોગ્રામ લોખંડની ચેનલોનો ભંગાર તેમજ રૂપિયા 7 લાખની કિંમતનો આઇસર ટેમ્પો મળીને કુલ રૂપિયા 16.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ શંકાસ્પદ જથ્થા સાથે પોલીસે નોબલ માર્કેટ વિસ્તારમાં રહેતા સબરે હુસેન મોહમ્મદ કાસીમ શેખ અને જૈનુલ આબદ્દીન નિઝામુદ્દીન ખાન નામના બે ઇસમોની અટકાયત કરી છે. આ લોખંડનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ