યુકેના વિઝા આપવાની લાલચ આપી મહિલા સાથે 27 લાખની છેતરપીંડી.
પોરબંદર, 24 જૂન (હિ.સ.) યુકેમાં નોકરી અપાવવાના બહાને વર્ક વિઝા કાઢી આપવાની લાલચ આપી પોરબંદરની એક મહિલાની રૂ. 27.38 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ચાર વિઝા એજન્ટો સામે ગુનો દાખલ કરી
યુકેના વિઝા આપવાની લાલચ આપી મહિલા સાથે 27 લાખની છેતરપીંડી.


પોરબંદર, 24 જૂન (હિ.સ.) યુકેમાં નોકરી અપાવવાના બહાને વર્ક વિઝા કાઢી આપવાની લાલચ આપી પોરબંદરની એક મહિલાની રૂ. 27.38 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ચાર વિઝા એજન્ટો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, પોરબંદર તાલુકાના આંબારામાં ગામની રહેવાસી શીતલ નિલેશભાઈ ઓડેદરાને આરોપીઓએ યુકે વર્ક વિઝા અપાવી વિદેશમાં રોજગારી અપાવવાની ખાતરી આપી હતી. વિઝા પ્રક્રિયા, દસ્તાવેજી કાર્યવાહી, ફાઈલ ચાર્જ અને અન્ય વિવિધ બહાનાઓ હેઠળ તબક્કાવાર કુલ રૂ. 27,38,165 મેળવી લેવામાં આવ્યા હતા.

જોકે લાંબા સમય વીતી જવા છતાં આરોપીઓએ ન તો વિઝા અપાવ્યો અને ન તો ચૂકવેલી રકમ પરત કરી હતી. જેથી પોતે છેતરપિંડીનો ભોગ બન્યાનું માલૂમ પડતાં શીતલબેને પોલીસનો આશરો લીધો હતો. આ કેસમાં વડોદરા સ્થિત લાઈવ ઈમિગ્રેશન સાથે સંકળાયેલા શૈલેષ પ્રજાપતિ તેમજ અમદાવાદની ગેટ અવે અબરોડ ઓફિસ સાથે સંકળાયેલા રીતેન ઉર્ફે બોબી પટેલ દિલીપ વાનેશરા, આયુષી દિલીપ વાનેશરા અને કહલ વિપુલ પઢીયાર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ભૂમિકા, નાણાંની લેવડદેવડ તથા અન્ય સંભવિત પીડિતો અંગે તપાસ શરૂ કરી છે. વિદેશમાં નોકરી અને વિઝાના નામે વધતી છેતરપિંડીની ઘટનાઓ વચ્ચે આ બનાવ ફરી એકવાર લોકોને સાવચેત રહેવાની ચેતવણીરૂપ બન્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande