
પોરબંદર, 24 જૂન (હિ.સ.) રાણાવાવ નગરપાલિકામાં LED સ્ટ્રીટ લાઈટની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ અને કૌભાંડ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે પોરબંદર જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી બુખારી ગુલામનબી અબ્દુલ્લાએ વિજિલન્સ કમિશન સમક્ષ લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસની માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ GeM પોર્ટલ પર PHINIX TECHNOLOGY કંપનીની LED સ્ટ્રીટ લાઇટોની ખરીદી દર્શાવવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં સ્થળ પર આ કંપનીની લાઈટો લગાડવામાં આવી નથી. તેના બદલે હલકી ગુણવત્તાની અન્ય કંપનીની લાઈટો લગાડવામાં આવી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે આ અંગેની જાણ થતાં જ કૌભાંડમાં સંકળાયેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઈલેક્ટ્રિક વિભાગના સ્ટાફ પર દબાણ કરી GeM પોર્ટલ મુજબની લાઈટો તાત્કાલિક મંગાવી, ખોટું રોજકામ તૈયાર કરી તેમજ ફોટોગ્રાફ્સના આધારે તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે
.બુખારી ગુલામનબી અબ્દુલ્લાએ આ સમગ્ર મામલાને સરકારી નાણાંના દુરુપયોગ અને ગંભીર વહીવટી ગેરરીતિ ગણાવી, હાલ ચાલી રહેલી સ્ટ્રીટ લાઈટ બદલવાની કામગીરી પર તાત્કાલિક રોક લગાવવા, નિષ્પક્ષ તપાસ સમિતિની રચના કરી સ્થળ પર રૂબરૂ તપાસ કરાવવા અને ગેરરીતિમાં સંકળાયેલા જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો માત્ર LED સ્ટ્રીટ લાઇટ ખરીદીના કૌભાંડનો જ નહીં પરંતુ નગરપાલિકાની અન્ય GeM પોર્ટલ આધારિત ખરીદીઓમાં થયેલી સંભવિત ગેરરીતિઓનો પણ પર્દાફાશ થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya