





પોરબંદર, 24 જૂન (હિ.સ.)રાજ્ય સરકારના દરેક બાળક શિક્ષિત બનેના સંકલ્પને સાકાર કરવા સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 અંતર્ગત પોરબંદરના છાયા સ્થિત પીએમ નવાપરા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર અને હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આંગણે નવપ્રવેશી બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને વાલીઓની આંખોમાં ઝળહળતો ગર્વ સમગ્ર કાર્યક્રમને વિશેષ ભાવનાત્મક બનાવતો હતો.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા સહિતના મહાનુભાવોએ નવપ્રવેશી બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરીને તેમના શૈક્ષણિક જીવનની નવી સફરને શુભકામનાઓ પાઠવી હતી. નવા પુસ્તકો અને કિટ હાથમાં મળતા બાળકોના ચહેરા પર પ્રસરી આવેલી નિર્દોષ સ્મિત સૌના હૃદયને સ્પર્શી ગઈ હતી.
કાર્યક્રમ દરમિયાન વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન મેળવનાર વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ ગૌરવની બની રહી હતી, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ માટે તે પ્રેરણારૂપ બની હતી.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પોતાના વક્તવ્યની શરૂઆતમાં શાળામાં અને આંગણવાડીમાં પ્રથમ વખત પ્રવેશ મેળવી રહેલા તમામ ભૂલકાઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ઈશ્વરને પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, આ બાળકો શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ મેળવીને માત્ર શાળાનું જ નહીં, પરંતુ પોતાના પરિવાર, ગામ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવા નાગરિક બને.
તેમણે જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ એ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી એક એવી યોજના છે જેણે બાળકોના જીવનના આ પ્રથમ પગથિયાને એક મોટા ઉત્સવમાં ફેરવી દીધો છે. જ્યારે શાળામાં ગામના આગેવાનો, અધિકારીઓ અને પરિવારના સભ્યો આવીને બાળકનું સ્વાગત કરે છે, ત્યારે બાળકનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ બેવડાઈ જાય છે. આ જ કારણ છે કે આજે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ 100% સફળ રહ્યો છે અને એક પણ બાળક શાળામાં પ્રવેશ વગર વંચિત રહેતું નથી.મંત્રીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, જો એક પણ બાળક શિક્ષણથી વંચિત રહી જાય તો તે દેશને પાછળ ધકેલે છે, તેથી દરેક બાળક ભણે તે આપણા સૌની સામૂહિક જવાબદારી છે.મંત્રી અર્જુન મોઢવાડીયાએ ભારપૂર્વક જણાવ્યું કે, બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન આપવું પૂરતું નથી. તેમને નાનપણથી જ પર્યાવરણનું જ્ઞાન, ટ્રાફિકના નિયમો (જેમ કે કઈ બાજુ ચાલવું, ફૂટપાથનો ઉપયોગ કરવો વગેરે), પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો અને સ્વચ્છતા જાળવવી જેવા પાયાના સંસ્કારો આપવા ખૂબ જ જરૂરી છે. શાળા એ એક એવું માધ્યમ છે જ્યાં બાળક આ તમામ બાબતો ખૂબ સરળતાથી શીખી શકે છે.
અંતમાં, તેમણે શિક્ષકો, વાલીઓ અને આગેવાનોને આહવાન કર્યું હતું કે, આપણે સૌ સાથે મળીને આપણા બાળકોને એવા સક્ષમ અને મજબૂત નાગરિકો બનાવીએ જે ભવિષ્યમાં દેશનું સફળ નેતૃત્વ કરી શકે. ફરી એકવાર તમામ બાળકોને ઉજ્જવળ કારકિર્દી માટે તેમણે આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંદેશનું વાંચન કરવામાં આવ્યું હતું. સાથે જ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના સંકલ્પને પુનઃદૃઢ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પી.એમ. નવાપરા પ્રાથમિક શાળા છાયામાં 560 થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે અને ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ ભવિષ્યના ધ્યેય સાથે બાળકોના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. શાળામાં અનુભવી અને નિષ્ણાત કાયમી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અહીં દરેક વર્ગખંડ સ્માર્ટ ટીવી અને સીસીટીવી કેમેરાથી સજ્જ આધુનિક સ્માર્ટ ક્લાસરૂમ છે. શાળાના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સ્કૂલ બેગ અને કલા-કીટ સહિતની તમામ શૈક્ષણિક સામગ્રી મફત આપવામાં આવે છે.
આ ઉપરાંત, કમ્પ્યુટર, સંગીત, રમત-ગમત તેમજ નબળા વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક કાર્ય અને યોગ-પ્રાર્થના જેવી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. બાલવાટિકાથી ધોરણ 8 સુધી મફત પ્રવેશ આપીને અહીં સરકારની તમામ યોજનાઓનો લાભ પૂરો પાડવામાં આવે છે,
બી.આર.સી. કો-ઓર્ડિનેટર પરેશભાઈ પુષ્પકર્ણી દ્વારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 ની પ્રસ્તાવના રજૂ કરીને પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. તેમજ શાળાના આચાર્ય હિરલબેન દાસાએ કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે દાતાઓનું સન્માન કરીને ટ્રાફિક જાગૃતિના શપથ લઈને મંત્રી સહિતના મહાનુભાવો શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, કોર્પોરેટર પ્રતાપભાઈ ઓડેદરા, આગેવાન નવઘણભાઈ રાતીયા, કમલેશભાઈ રાણીંગા, અર્જુનભાઈ બળેજા સહિત શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષણ પ્રત્યેની જાગૃતિ, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની આશા તેમજ સમાજના સહિયારા પ્રયાસોની ભાવના સ્પષ્ટપણે પ્રતિબિંબિત થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya