
સુરત, 24 જૂન (હિ.સ.) સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા સરકારી સ્ટાફ ક્વાર્ટર્સમાં લિફ્ટ અચાનક બંધ પડી જતાં તેમાં સવાર બે યુવાનો અંદર જ ફસાઈ ગયા હતા. લિફ્ટ મધ્યમાળે અટકી જતાં અને દરવાજા ન ખુલતાં બંને યુવકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના રહેવાસીઓ એકત્ર થયા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. લિફ્ટનો ઓટોમેટિક દરવાજો સંપૂર્ણ રીતે જામ થઈ જવાથી બચાવ કામગીરી માટે હાઈડ્રોલિક કટર સહિતના વિશેષ સાધનોનો ઉપયોગ કરવો પડ્યો હતો. જહેમત બાદ દરવાજામાં જગ્યા બનાવી બંને યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ અંદર ફસાયેલા યુવકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાએ માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે ફરી સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ લિફ્ટ અગાઉ પણ અનેક વખત ખામી સર્જી ચૂકી છે અને તાજેતરમાં તેનું રિપેરિંગ પણ કરવામાં આવ્યું હતું. છતાં ફરીથી આવી ગંભીર સ્થિતિ સર્જાતા રિપેરિંગની ગુણવત્તા અને દેખરેખ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. રહેવાસીઓએ લિફ્ટની સંપૂર્ણ તકનીકી તપાસ કરીને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે