



પોરબંદર, 24 જૂન (હિ.સ.)પોરબંદરના બોખીરા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા એક શિક્ષિકાનું મોત થયું હતું જ્યારે બીજી શિક્ષિકા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને વધુ સારવાર માટે અન્ય જિલ્લાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે અને શૈક્ષણિક જગતમાં પણ શોકની લાગણી પ્રસરી છે.
મળતી માહિતી મુજબ બન્ને મહિલાઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી અને નેવી સીબીએસઇ શાળામાં અભ્યાસ કાર્ય માટે જઈ રહી હતી. આજે સવારે તેઓ ટુ વ્હીલર પર શાળા તરફ જઈ રહ્યા હતા ત્યારે બોખીરા સતીઆઈ મંદિર નજીક માર્ગ પર ટ્રક અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટુ વ્હીલર પર સવાર બન્ને મહિલાઓ રસ્તા પર પટકાઈ ગઈ હતી અને તેમના ઉપરથી ટ્રકના ટાયર ફરી વળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં લલીતાબેન હિતેષભાઈ વાસણને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના નિધનના સમાચાર મળતા પરિવારજનો, સગા-સંબંધીઓ તેમજ શાળા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
બીજી તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સંધ્યાબેન પુરોહિતની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અન્ય જિલ્લાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સંધ્યાબેન ગર્ભવતી હોવાનું જાણવા મળતા પરિવારજનોમાં વધુ ચિંતા વ્યાપી ગઈ છે. જોકે આ બાબતે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ લોકમુખે થતી ચર્ચા મુજબ ટુ વ્હીલર પર સવાર મહિલાઓ ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.
પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે અકસ્માતની હકીકત જાણવા પ્રયાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya