
અમદાવાદ, 24 જૂન (હિ.સ.) : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં હેરાફેરી દિન પ્રતિદિન વધી રહી છે. રોજ રોજ નવી મોડસઓપરંડી અપનાવીને બુટલેગરો ગુજરાતમાં મોટી સંખ્યામાં દારૂ લાવે છે. રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારો સાથે સંકળાયેલા શખ્સો દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂ અહીં સંગ્રહ કરવામાં આવતો હતો જેથી કોઈને શંકા ન જાય. બાદમાં જરૂરિયાત મુજબ નાના જથ્થામાં વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડ દ્વારા દરોડા પાડી દારૂ પકડવામાં આવી રહ્યો છે. હવે નારોલ વિસ્તારમાંથી ચંદીગઢથી ટ્રક ભરીને લવાતા વિદેશી દારૂના જથ્થાને પીસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીઓ જૂના અને તૂટી ગયેલા ફર્નિચરની ખોટી બિલ્ટી બનાવી ફર્નીચરની આડમા ટ્રકમાં વિદેશી દારૂ ભરીને લાવ્યા હતા. પોલીસે 28.24 લાખના દારૂ સહિતનો 38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
બાતમીના આધારે ટ્રક પકડી
મળતી માહિતી મુજબ પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડના પીઆઈ જે.પી.જાડેજાને બાતમી મળી હતી કે શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નારોલ રંગોલી નગર તરફ જવાના રસ્તે નારોલ ટોરેંટ પાવર પાસે રોડથી વિદેશી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો છે. જેના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ટ્રક આવતાની સાથે જ પોલીસે તેને રોકીને તપાસ કરતા તેમાં જૂનું તથા તૂટી ગયેલ ફર્નીચર મળી આવ્યું હતું અને જેની આડમાં મોટા પુઠાના બોક્સ હતા જે ખોલીને જોતા તેમા નાની મોટી વિદેશી દારુની 177 પેટીઓમાં વિદેશી દારુની નાની મોટી સીલબંધ બોટલો 5868 કિ. 28,24,944ની મળી આવી હતી.
પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ કરતાં તેનું નામ રમેશચંદ રામલાલ ઝુલાહા અને જીતેંદ્ર સ/ઓ. હરીરામ રામબરન ચોરસીયા હોવાનું જણાવ્યું હતું. ચંદીગઢ તરફથી ખોટી બિલ્ટી બનાવી ફર્નીચરની આડમાં વિદેશી દારૂનો જથ્થો રૂ.28.24 લાખ તથા અન્ય મળી કુલ રુ. 38.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશ અને ચંદીગઢથી દારૂ ભરી આપનાર તેમજ ટ્રકના માલિક સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ