
- ધારાસભ્ય સહિતના મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ.
છોટાઉદેપુર , 24 જૂન (હિ.સ.) : કવાંટ તાલુકાના જામલી મુસટ, ચાપરીયા, અમલવાટ અને કવાંટ ગામના વિજ્ઞાન પ્રવાહના નવપ્રવેશિત બાળકો માટે શાળા પ્રવેશોત્સવના એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોએ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સ્થાનિક ધારાસભ્ય જેન્તીભાઇ રાઠવા, કવાંટ જિલ્લા પંચાયત સદસ્ય યશવંત ભાઈ, તેમજ શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી વિજયભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત સદસ્ય યશવંત ભાઈ અને ધારાસભ્ય જેન્તીભાઇ રાઠવા દ્વારા તમામ નવપ્રવેશિત બાળકોને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવું શૈક્ષણિક સાહિત્ય મેળવીને બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જેન્તીભાઇ રાઠવા જણાવ્યું કે, અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના બાળકો વિજ્ઞાન પ્રવાહ તરફ વળે તે ખૂબ જ ગર્વની બાબત છે. આ બાળકો આવનારા સમયમાં ડૉક્ટર અને એન્જિનિયર બનીને દેશનું નામ રોશન કરશે.
જિલ્લા પંચાયત સદસ્ય યશવંત ભાઈ એ વાલીઓને વિનંતી કરી કે બાળકોના અભ્યાસમાં કોઈ કચાશ ન રહે તે માટે પૂરતો સહકાર આપે અને સરકારની યોજનાઓનો લાભ લે. કાર્યક્રમમાં ફોરેસ્ટ વિભાગની ઉપસ્થિતિ વચ્ચે બાળકોને શિક્ષણની સાથે સાથે પર્યાવરણના જતન અને વૃક્ષારોપણનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. શાળાના આચાર્ય અને શિક્ષકગણે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ