
જામનગર, 24 જૂન (હિ.સ.) : રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે નમો મૈત્રી ગોષ્ઠી અંતર્ગત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ઉષ્માભર્યો અને પ્રેરણાદાયી સંવાદ યોજ્યો હતો. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને માત્ર સારા ડોક્ટર જ નહીં પરંતુ ઉત્તમ માનવી બનવા માટે પણ પ્રેરિત કર્યા હતા.
તબીબી વ્યવસાય માત્ર એક વ્યવસાય નથી, પરંતુ માનવસેવાનું સર્વોત્તમ સાધન છે. ડોક્ટર તરીકે દર્દીઓને સારવાર આપવાની સાથે સમાજ પ્રત્યેની સંવેદના, કરુણા અને માનવીય મૂલ્યોનું જતન કરવું એટલું જ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં નૈતિકતા, શિસ્ત અને સેવા ભાવનાને કેન્દ્રસ્થાને રાખીને કાર્ય કરવાની અપીલ કરી હતી.
જામનગરમાં નિર્માણ પામી રહેલ GCTM (Global Centre for Traditional Medicine) ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી રહ્યું છે. આ કેન્દ્ર સંશોધન, નવીનતા અને જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા પરંપરાગત ચિકિત્સાને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે, જેના કારણે જામનગર વિશ્વના આરોગ્ય ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે.
આ માત્ર એક સંસ્થા નથી, પરંતુ ભારતની પ્રાચીન જ્ઞાનપરંપરા, આયુર્વેદ અને માનવકલ્યાણના વિચારોને વિશ્વ સુધી પહોંચાડવાનું એક વૈશ્વિક મંચ છે. જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે આગામી સમયમાં કાર્ડિયાક કેથેટરાઈઝેશન લેબોરેટરી (કેથ લેબ) વિકસાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ માટે પણ મેદરૂપ બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt