
મહેસાણા, 24 જૂન (હિ.સ.) : વિજાપુર તાલુકાના બખલ ગામમાં સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા પરિણીતાને છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. આ મામલે વસાઈ પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ બખલ ગામના બ્રાહ્મણવાસ વિસ્તારમાં રહેતા રીતાબેન બારડ (ઉં.વ. 45)એ પોતાના પતિ પ્રદીપ બારડને તેમનું એક્ટિવા અન્ય વ્યક્તિને ચલાવવા આપવા અંગે પૂછપરછ કરી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં પતિ ઘરે પરત ફર્યા ત્યારે ફરીથી ઉગ્ર તકરાર સર્જાઈ હતી.
આક્ષેપ મુજબ ઉશ્કેરાયેલા પતિએ રીતાબેનને ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન સાસુ નવુબાએ પણ દીકરાનો પક્ષ લઈ બોલાચાલી કરી હતી. ત્યારબાદ પતિએ ઘરમાંથી છરી લાવી રીતાબેનના માથાના ડાબા ભાગે કાન ઉપર ઘા કર્યો હતો. ઘટનામાં રીતાબેન લોહીલુહાણ થઈ ગયા હતા.
બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવતા મહિલાનો બચાવ થયો હતો, જ્યારે આરોપી પતિ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત રીતાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં 8 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ વસાઈ પોલીસ દ્વારા પતિ પ્રદીપ બારડ અને સાસુ નવુબા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR