
ભાવનગર, 24 જૂન (હિ.સ.) : રાજ્ય સરકારના ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના સિદસર-શામપરા મોડેલ સ્કૂલ ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ બાદ મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી)ના સભ્યો, વાલીઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી શિક્ષણ ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ પર રચનાત્મક સંવાદ સાધ્યો હતો. બેઠક દરમિયાન શાળાના આચાર્ય ડૉ. પ્રકાશભાઈ રાઠોડે શાળામાં અમલમાં રહેલી શૈક્ષણિક, સહશૈક્ષણિક તેમજ વિકાસલક્ષી પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામો, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અંગે પણ માહિતી આપી હતી.
મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ શાળાના વિકાસ માટે શિક્ષકો, એસએમસી સભ્યો અને સ્થાનિક સમાજ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત અને મૂલ્યઆધારિત શિક્ષણના ધ્યેયને સાકાર કરવામાં વાલીઓ, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિ અને ગ્રામજનોની સક્રિય ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે. શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી મર્યાદિત ન રહી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ નિર્માણ, સંસ્કાર અને કૌશલ્ય વિકાસ તરફ પણ કેન્દ્રિત હોવું જોઈએ.
બેઠકમાં ઉપસ્થિત એસએમસી સભ્યો અને આગેવાનોએ પણ શાળાના વિકાસ, વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. મંત્રીએ તમામ સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળીને યોગ્ય સ્તરે રજૂઆત અને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
અંતે મંત્રીએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને શિક્ષણ ક્ષેત્રે સતત નવતર પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠક શિક્ષણ ક્ષેત્રે સરકાર, શાળા અને સમાજ વચ્ચેના સમન્વયને વધુ મજબૂત બનાવનારી સાબિત થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA