
પાટણ, 24 જૂન (હિ.સ.) : પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે 23 જૂન 2026ના રોજ ગાયનેક વિભાગમાં એક અત્યંત દુર્લભ અને જટિલ વજાઈનોપ્લાસ્ટિ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. જન્મજાત ખામીથી પીડિત 22 વર્ષની યુવતીને વિનામૂલ્યે સારવાર આપી નવું જીવન આપવામાં આવ્યું છે.
દર્દી MRKH Syndrome નામની દુર્લભ જન્મજાત બીમારીથી પીડિત હતી. આ સ્થિતિમાં ગર્ભાશય અને યોનિમાર્ગનો વિકાસ થતો નથી, જ્યારે અંડાશય સામાન્ય હોય છે. આ સમસ્યા અંદાજે 10,000 મહિલાઓમાંથી એકમાં જોવા મળે છે.
યુવતીએ માસિક ન આવવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન ગર્ભાશય અને યોનિમાર્ગ ન હોવાનું નિદાન થયું. ભવિષ્યમાં સામાન્ય લગ્નજીવન જીવી શકે તે માટે સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો.
હોસ્પિટલના ડીન ડૉ. હાર્દિક શાહ, તબીબી અધિક્ષક ડૉ. પારૂલ શર્મા અને આરએમઓ ડૉ. રમેશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નિષ્ણાત તબીબોની ટીમ તૈયાર કરવામાં આવી હતી.
ડૉ. ઉદય પટેલ, ડૉ. વિનીત મિશ્રા અને પ્લાસ્ટિક સર્જન ડૉ. હિરેન ઓઝાની ટીમે કલાકો સુધી ચાલેલી જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. સર્જરી બાદ દર્દીની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે થતી આ સર્જરી ધારપુર મેડિકલ કોલેજમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવી હતી. સફળ સારવાર બાદ દર્દી અને તેના પરિવારજનોએ તબીબોની ટીમ તથા હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ