
જામનગર, 24 જૂન (હિ.સ.) : રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને દડિયા પ્રાથમિક શાળા, એચ.એમ.નંદા માધ્યમિક શાળા અને નાધુના પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં મંત્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની શરૂઆત છે.
ગુજરાત સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. રાજ્યના દરેક બાળકને ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન દ્વારા શિક્ષણનો વ્યાપ વધ્યો છે. ખાસ કરીને કન્યા કેળવણી મહોત્સવે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપીને તેમને આત્મનિર્ભર, સશક્ત અને સ્વાવલંબી બનાવવાના અભિયાનને નવી દિશા આપી છે. આજે દીકરીઓ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, આરોગ્ય, વહીવટ અને ઉદ્યોગ સહિતના તમામ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી રહી છે.
શાળાના દ્વારે પ્રવેશ કરતું દરેક બાળક આવતીકાલના વિકસિત ભારત અને આત્મનિર્ભર ગુજરાતનું ભવિષ્ય છે. શિક્ષણ એ એવી શક્તિ છે જે સામાન્ય પરિવારમાં જન્મેલા બાળકને પણ અસાધારણ સફળતાના શિખરો સુધી પહોંચાડી શકે છે.
શાળા પ્રવેશોત્સવ માત્ર બાળકોને શાળામાં દાખલ કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણને સમાજના દરેક ઘર સુધી પહોંચાડવાનો કાર્યક્રમ છે, જેનો પાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકાર તેને સફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt