
સુરત, 24 જૂન (હિ.સ.) : કતારના રસ લફ્ફાન સ્થિત ગેસ પ્લાન્ટમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં સુરતના ડુમસ વિસ્તારના મોટો મોહલ્લાના રહેવાસી સની પટેલના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે. વિસ્ફોટ બાદથી ગુમ થયેલા સની સુરક્ષિત પરત ફરશે તેવી આશા પરિવાર છેલ્લા બે દિવસથી રાખી રહ્યો હતો, પરંતુ હવે આ આશા તૂટી ગઈ છે.
માહિતી અનુસાર, સની પટેલના ભાઈ રવિ પટેલે કતારમાં તેમના પાર્થિવ દેહની ઓળખ કરી લીધી છે. ભારતીય દૂતાવાસની જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે. બુધવારે સનીનો પાર્થિવ દેહ કતારથી અમદાવાદ લાવવામાં આવશે અને ત્યાંથી સુરત પહોંચાડવામાં આવશે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, સની પટેલ જ્યારે પણ ડ્યૂટી પર જતા કે પરત ફરતા ત્યારે પત્નીને ફોન કરવાનું ક્યારેય ચૂકતા નહોતા. દુર્ઘટનાની રાત્રે પણ તેમણે નાઇટ શિફ્ટ પર જતાં પહેલાં પત્નીને ફોન કરીને કામ પર જવાની જાણ કરી હતી. ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. સનીની પત્ની આજે પણ તે અંતિમ વાતચીતને યાદ કરીને ભાવુક બની જાય છે.
જાણવા મળ્યું છે કે પિતા અને મોટા ભાઈના અવસાન બાદ પરિવારની આર્થિક જવાબદારી સની અને તેમના ભાઈએ સંભાળી હતી. આ માટે તેઓ કતાર ગયા હતા. સની ત્યાં એક ઔદ્યોગિક કંપનીમાં મિકેનિકલ ફિટર તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં પરિવારમાં મોટાભાગે મહિલાઓ જ છે અને આ દુઃખદ ઘટનાથી સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે 21 જૂનના રોજ કતારના રસ લફ્ફાન સ્થિત એલએનજી ઉત્પાદન અને નિકાસ કેન્દ્રમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં અનેક કર્મચારીઓ પ્રભાવિત થયા હતા. આ દુર્ઘટનામાં સની પટેલ પણ ઝપેટમાં આવ્યા હતા. તેમના નિધનની પુષ્ટિ થતાં ડુમસ સહિત સમગ્ર સુરત શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે