અમદાવાદમાં નરોડા વિસ્તારમાં કારમાંથી 50 લાખની ઉઠાંતરી, બે ગઠિયા બેગ લઈ છૂમંતર
અમદાવાદ, 27 જૂન (હિ.સ.) : અમદાવાદના નરોડાના આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં કારમાંથી 50 લાખ રૂપિયાની બેગ લઈ બે ગઠિયા છૂમંતર થઈ ગયા હતા. કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા એડીસી બેંકની સામે ગાડીમાંથી નજર ચૂકવી અને રૂપિયા 50 લાખની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છ
અમદાવાદમાં નરોડા વિસ્તારમાં કારમાંથી 50 લાખની ઉઠાંતરી, બે ગઠિયા બેગ લઈ છૂમંતર


અમદાવાદ, 27 જૂન (હિ.સ.) : અમદાવાદના નરોડાના આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં કારમાંથી 50 લાખ રૂપિયાની બેગ લઈ બે ગઠિયા છૂમંતર થઈ ગયા હતા. કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા એડીસી બેંકની સામે ગાડીમાંથી નજર ચૂકવી અને રૂપિયા 50 લાખની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે. બાઈક સવાર હેલમેટ પહેલા બે શખસ રૂપિયાની બેગ લઈ છૂમંતર થઈ ગયા હતા.

ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસને થતા કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો.

જે કારમાંથી 50 લાખ રુપિયાની ઉઠાંતરી કરવામાં આવી તેમાંથી ભાજપનો ખેસ અને ખોડલધામ અમદાવાદ લખેલો ખેસ મળી આવ્યો હતો. ફરિયાદી છે એમણે બાપુનગરમાં આંગડિયા પેઢીમાંથી 50 લાખ લીધેલા હતા અને આ રુપિયા લઈને એ લોકો કોઠિયા હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન રસ્તામાં બનાવ બન્યો હતો.

એક બાઈક ચાલકે ગાડીની પાછળ અથડાવી એટલે કારચાલક ગાડી નીચે ઉતર્યો હતો. અને તેની સાથે બોલાચાલી કરી હતી.આ સમયે નજર ચૂકવી બીજા બાઈક ઉપર આવેલા બે અજાણ્યા હેલમેટ પહેરેલા વ્યક્તિઓએ ગાડીનો કાચ તોડી અને ગાડીમાં પડેલા રૂપિયા 50 લાખ ઉઠાવી ફરાર થઈ ગયા હતા.

પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

આંગડિયા પેઢીમાંથી 50 લાખ લઈને નીકળ્યા હતા

એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે 27 જૂનના રોજ સવારના સમયે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સ છે એની પાસે જે એડીસી બેંક આવેલી છે, ત્યાં જે ફરિયાદી છે એ પોતાની ગાડી લઈને જે ગાડીમાં એક થેલામાં 50 લાખ હતા. જે બાપુનગર વિસ્તારમાં આંગડિયા પેઢીમાંથી ઉપાડીને એ લોકો જઈ રહ્યા હતા.

એ દરમિયાન ત્યાં આગળ બાઈક ચાલકોએ એની જોડે બાઈક, ગાડી સાથે ટક્કર મારીને, ટક્કર માર્યા બાદ એ લોકો જોડે ઝઘડો કર્યો અને ઝઘડો કર્યા બાદ એ લોકોની ગાડીમાંથી 50 લાખ લૂંટીને ફરાર થઈ ગયેલા હતા. તે આધારે હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે.

તેમજ પોલીસની અલગ-અલગ ટીમો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ-અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટેની તજવીજ ચાલુ છે.

વધુમાં કૃણાલ દેસાઈ જણાવ્યું હતું કે, હાલમાં અમારી જોડે જે પણ ડેટા હોય છે એ ડેટાના આધારે આરોપી આઈડેન્ટિફાય કરવા માટે પણ પ્રયત્ન ચાલુ છે. અમારી અલગ-અલગ ટીમો પણ ફિલ્ડમાં લાગેલી છે અને એને ટૂંક જ સમયમાં ડિટેક્ટ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande