
અમરેલી, 27 જૂન (હિ.સ.) ગીર પૂર્વ વનવિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ સિંહબાળોના મોત થતાં ચિંતા વ્યાપી છે. મળતી માહિતી મુજબ બગસરા તાલુકાના હામાપુર ગામ નજીક તાજેતરમાં જન્મેલા માત્ર એક દિવસના સિંહબાળનું મોત થયું છે. બીજી તરફ ધારીના પાણીયા રેન્જ વિસ્તારમાં અંદાજે એક વર્ષના સિંહબાળનું ઇન્ફાઇટ (સિંહો વચ્ચેના આંતરિક સંઘર્ષ) દરમિયાન મોત થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઉપરાંત ગઈકાલે દલખાણીયા રેન્જમાંથી પણ એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો.
સતત બની રહેલી આ ઘટનાઓને કારણે માત્ર 24 કલાકમાં ત્રણ સિંહબાળોના મોત નોંધાતા વનવિભાગની કામગીરી અને સિંહોના સંરક્ષણ અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી માનવ-સિંહ સંઘર્ષની ઘટનાઓ પણ વધી રહી છે, ત્યારે હવે સિંહબાળોના મોતની ઘટનાઓએ વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતા વધારી છે.
વનવિભાગ દ્વારા તમામ ઘટનાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. મૃત સિંહબાળોના પોસ્ટમોર્ટમ બાદ મોતના ચોક્કસ કારણો અંગે વધુ સ્પષ્ટતા થશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તપાસના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ સમગ્ર ઘટનાક્રમ પર વનવિભાગની નજર છે અને અંતિમ અહેવાલની રાહ જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai