



વડોદરા , 28 જૂન (હિ.સ.) વડોદરા શહેરમાંથી ફરી એકવાર કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહી સામે આવી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા હરિ નગર બ્રિજ નીચે ચાલી રહેલી કામગીરી દરમિયાન અચાનક પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે.
કોન્ટ્રાક્ટરની એક નાની ભૂલ અને બેદરકારીના કારણે હાઈ પ્રેશર ધરાવતી આ મુખ્ય લાઈન તૂટી ગઈ હતી. જેના કારણે જોતજોતામાં રસ્તા પર પાણીના ફુવારા ઉડવા લાગ્યા હતા અને લાખો ગેલન પીવાનું ચોખ્ખું પાણી રસ્તા પર અને ગટરમાં વહી ગયું હતું.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, હરિ નગર બ્રિજ નીચે ડ્રેનેજ અથવા અન્ય વિકાસ કાર્ય અંતર્ગત ખોદકામની પ્રક્રિયા ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી ન હતી. જે રીતે આડેધડ ખોદકામ કરવામાં આવ્યું, તેનાથી જમીનની અંદરથી પસાર થતી મુખ્ય વોટર લાઈન, ડેમેજ થઈ ગઈ હતી. લાઈન લીકેજ થવાના કારણે રોડ પર જાણે નદી વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થતાં આસપાસના વાહનચાલકો અને રાહદારીઓને પણ પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.
આ દુર્ઘટનાની સીધી અસર હવે સ્થાનિક જનતા પર પડવાની છે. કોન્ટ્રાક્ટરની આ એક ભૂલના કારણે હરિ નગર અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં રહેતા હજારો લોકોને પીવાનું પાણી નહીં મળે. ઉનાળા અને આકરી ગરમીની ઋતુ વચ્ચે પાણી પુરવઠો સંપૂર્ણ ખોરવાઈ જતાં લોકોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ શહેરીજનો પૂરતા પ્રેશરથી પાણી મેળવવા માટે વલખાં મારી રહ્યા છે અને કમરતોડ વેરો ભરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તંત્રના જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના લીધે આ પ્રકારે કિંમતી પાણીનો બગાડ થઈ રહ્યો છે.
આ ઘટના બાદ હવે યુદ્ધના ધોરણે લાઈનનું સમારકામ કરવામાં નહીં આવે તો હજારો પરિવારોએ આગામી દિવસોમાં પાણીની મોટી કટોકટીનો સામનો કરવો પડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ