
પાટણ, 27 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકાને ડિસેમ્બર 2027 સુધીમાં મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાના ભાગરૂપે શહેરનો ડ્રોન સર્વે શરૂ થયો છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા નિયુક્ત એજન્સી આ કામગીરી કરી રહી છે.
ડ્રોન દ્વારા શહેરની હાઈ-રિઝોલ્યુશન તસવીરો લેવામાં આવી રહી છે. આ ડેટાના આધારે સમગ્ર શહેરનું ડિજિટાઈઝેશન થશે, જેથી રોડ, ડ્રેનેજ અને પાણીની લાઈનો સહિતની જાહેર સુવિધાઓની માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બનશે.
હાંસાપુર વિસ્તારથી શરૂ થયેલી કામગીરીમાં 8થી10 ટેકનિશિયન અને 3 પાયલોટ્સની ટીમ ત્રણ આધુનિક ડ્રોનથી શહેરના વિવિધ વિસ્તારોનો સર્વે કરી રહી છે. શહેરમાં કુલ 48 પોઈન્ટ નક્કી કરાયા છે.
અનુકૂળ હવામાનને કારણે સમગ્ર ડ્રોન સર્વે આજે જ પૂર્ણ થવાની સંભાવના છે. આ ડિજિટલ સર્વે મહાનગરપાલિકાના ભાવિ આયોજન અને વિકાસ માટે મહત્વપૂર્ણ આધાર બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ