


છોટાઉદેપુર , 27 જૂન (હિ.સ.) રંગબેરંગી રોશનીથી શણગારેલા તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા: કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં જુલૂસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું.
પવિત્ર મોહર્રમ માસની શહાદતની રાતે પાવીજેતપુર પંથકમાં આસ્થા અને અકીદતનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. કરબલાના શહીદોની યાદમાં પાવીજેતપુર ખાતેથી પરંપરાગત અને ભવ્ય તાજિયાનું જુલૂસ નીકળ્યું હતું. સમગ્ર પંથક યા હુસૈન, હુસૈન હુસૈન ના ગમગીન અને ઈમાની નારાઓથી ગુંજી ઉઠ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને શોકાકુલ બની ગયું હતું.
પાવીજેતપુરના મસ્જિદ ફળિયાથી મોડી રાતે ભવ્ય જુલૂસનો પ્રારંભ થયો હતો. આ વર્ષે તાજિયાને રંગબેરંગી લાઈટો અને અદભુત કલાત્મકતા સાથે ખૂબ જ આકર્ષક રીતે શણગારવામાં આવ્યા હતા, જે શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ભવ્ય જુલૂસમાં પાવીજેતપુર સહિત આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અકીદતમંદો (શ્રદ્ધાળુઓ) ભક્તિભાવપૂર્વક જોડાયા હતા.
શહાદતની આ પવિત્ર રાતે હઝરત ઈમામ હુસૈન (અ.સ.) અને તેમના સાથીદારોએ આપેલા સર્વોચ્ચ બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. હાજર જનમેદનીએ કરબલાના શાશ્વત સંદેશ – સત્ય, ન્યાય અને માનવતાના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. પાવીજેતપુરમાં પરંપરાગત રીતે યોજાયેલા આ જુલૂસમાં ધાર્મિક શ્રદ્ધા સાથે પરસ્પર ભાઈચારો અને કોમી એકતાનું અનોખું અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. તમામ ધર્મના લોકોએ આ પર્વમાં સહભાગી થઈને એકતાની મિસાલ કાયમ કરી હતી.
જુલૂસ દરમિયાન શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વહેલી સવારથી જ રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાનો, યુવાનો અને વહીવટી તંત્રના ચુસ્ત અને હકારાત્મક સહયોગના કારણે સમગ્ર કાર્યક્રમ અત્યંત શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.
પાવીજેતપુરમાં શહાદતની રાતે યા હુસૈન ના નારા સાથે તાજયા નું જુલુસ નિકળ્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ