


કચ્છ, 27 જૂન (હિ.સ.) : આરોગ્ય સેવાઓની સાથે પર્યાવરણ અને આયુર્વેદને પ્રોત્સાહન આપતું અનોખું કાર્ય ભુજ તાલુકાના મિરઝાપર સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિર મિરઝાપર-2 ખાતે જોવા મળી રહ્યું છે. સુખપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ કાર્યરત આ સબસેન્ટરમાં આરોગ્ય સેવાઓની સાથે સંપૂર્ણ ગૌ આધારિત ઓર્ગેનિક હર્બલ ગાર્ડન વિકસાવવામાં આવ્યું છે, જે આજે સમગ્ર કચ્છ માટે પ્રેરણારૂપ બન્યું છે.
ભારત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાના હેતુથી શરૂ કરાયેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરોમાં સગર્ભા માતાઓની સંભાળ, બાળકોનું રસીકરણ, આરોગ્ય તપાસ અને પ્રાથમિક સારવાર જેવી સેવાઓ આપવામાં આવે છે.
જાન્યુઆરી-2026 દરમિયાન કચ્છના આરોગ્ય વિભાગમાં થયેલી બદલીમાં માનકુવા-2 ખાતે ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર ભગવતી ભટ્ટીની નિમણૂક મિરઝાપર-2 ખાતે કરવામાં આવી હતી. ફરજ સંભાળ્યા બાદ તેમણે સબસેન્ટરના વિશાળ પ્રાંગણનો ઉપયોગ આયુર્વેદિક ઔષધીય વનસ્પતિઓ ઉગાડવા માટે કરવાનો વિચાર રજૂ કર્યો. સુખપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. પ્રતિમાબેને આ વિચારને તરત જ સમર્થન આપીને અમલમાં મૂકવા પ્રોત્સાહિત કર્યા.
ત્યારબાદ સેન્ટરના સી.એચ.ઓ. વિનોદભાઈ, એમ.પી.એચ.ડબલ્યુ. અંકિતભાઈ સહિતના સ્ટાફના સહયોગથી વિવિધ ઔષધીય છોડ એકત્ર કરવામાં આવ્યા. ભગવતીબેને પોતાની નિયમિત આરોગ્ય સેવાઓ પૂર્ણ કર્યા બાદ મળતા સમય દરમિયાન સતત ત્રણથી ચાર મહિના સુધી મહેનત કરીને સંપૂર્ણ ઓર્ગેનિક હર્બલ ગાર્ડન તૈયાર કર્યું.
આ ગાર્ડનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. માત્ર ગાયના ગોબરથી તૈયાર કરાયેલા જૈવિક ખાતર દ્વારા સમગ્ર ગાર્ડન વિકસાવવામાં આવ્યું છે.
હર્બલ ગાર્ડનમાં કરેણ, તુલસી, લેમન ગ્રાસ, અરડૂસી, ગળો, ગરમાળો, કેસુડો, બારમાસી, અજમો, આંકડો, સરગવો, હાથાજોડી જેવી અનેક ઔષધીય વનસ્પતિઓ તેમજ શાકભાજીમાં પાલક, ધાણા, મેથી, તુરીયા, ગુવાર અને કાકડી ઉગાડવામાં આવી છે. જેનો ઉપયોગ જાતે પણ કરે છે અને આસપાસના રહેવાસીઓ પણ આ છોડના પાન અને અન્ય ભાગોનો આયુર્વેદિક ઉપયોગ કરીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શરદી, તાવ સહિત વિવિધ તકલીફોમાં રાહત મળતી હોવાનું જણાવી રહ્યા છે.
આ દરમિયાન એપ્રિલ-2026માં મિરઝાપર-2 સબસેન્ટરની એનક્વાસ (NQAS) અંતર્ગત ગુણવત્તા ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય સેવાઓ, ઉપલબ્ધ સુવિધાઓ, દવાઓનો જથ્થો, રેકોર્ડ જાળવણી, સ્વચ્છતા સહિતના વિવિધ માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ચકાસણીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર મિરઝાપર-2 સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યું, જે સેન્ટર માટે ગૌરવની સિદ્ધિ બની છે.
આ સિદ્ધિ બદલ સુખપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. પ્રતિમાબેનએ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સંપૂર્ણ ઓર્ગેનિક અને ગૌ આધારિત હર્બલ ગાર્ડન ધરાવતું આવું સબસેન્ટર ભાગ્યે જ જોવા મળે છે. ભગવતીબેન ભાટ્ટીની પહેલ અન્ય આરોગ્ય કેન્દ્રો માટે પણ પ્રેરણારૂપ છે. જો કચ્છના અન્ય આયુષ્યમાન આરોગ્ય મંદિરો પણ આવી પહેલ કરશે તો લોકોના આરોગ્યમાં વધુ સુધારો થશે અને સ્વસ્થ ભારતના સંકલ્પને વધુ મજબૂતી મળશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar