
પાટણ, 27 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા ચાર દિવસથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી વસ્ત્રાલ કેનાલ મારફતે વસ્ત્રાલ તળાવમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે પર્યાવરણ અને જન આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે.
નગરપાલિકાની મુખ્ય ભૂગર્ભ ગટરની રાઇઝિંગ લાઇનમાં પંચર પડ્યા બાદ સમયસર સમારકામ ન થતાં લાઇન ચોકઅપ થઈ ગઈ છે. તેના કારણે હાઇવે વિસ્તાર તેમજ વોર્ડ નં. 4, 5, 6 અને 11માં ગટર ઉભરાવાની સમસ્યા વધી છે.
ગટરનું ગંદુ પાણી વરસાદી પાણી માટે બનાવાયેલી કેનાલમાં છોડાતા વડલી, અનાવાડા અને પાટણ શહેરના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો ફેલાવાનો ભય વ્યક્ત થયો છે. વસ્ત્રાલ તળાવના પાણીનો ઉપયોગ સ્થાનિક લોકો અને પશુઓ કરતા હોવાથી સ્વાસ્થ્યનું જોખમ પણ વધ્યું છે.
આ મામલે પાટણ નગરપાલિકાના સભ્ય અને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે ઇરિગેશન વિભાગ અને નગરપાલિકાના અધિકારીઓને તાત્કાલિક સ્થળ તપાસ કરી કેનાલમાં છોડાતું ગટરનું પાણી બંધ કરાવી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ