કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મફત મલ્ટી-સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ યોજાયો, 150 દર્દીઓએ લીધો લાભ
ભાવનગર, 27 જૂન (હિ.સ.)બાબરીયાધાર ગામ ખાતે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના સુપુત્ર તથા કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ રામભાઈ દુલાભાઈ કાગની 28મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મલ્ટી-સ્પેશિયાલિટી નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આરોગ્ય કેમ્પ નો લાભ લેતા લાભાર્થી


ભાવનગર, 27 જૂન (હિ.સ.)બાબરીયાધાર ગામ ખાતે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના સુપુત્ર તથા કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ રામભાઈ દુલાભાઈ કાગની 28મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મલ્ટી-સ્પેશિયાલિટી નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ભાવનગરની એચસીજી હોસ્પિટલની 12 સભ્યોની નિષ્ણાત તબીબોની ટીમે આશરે 150 જેટલા દર્દીઓનું આરોગ્ય નિરીક્ષણ કરી જરૂરી તબીબી માર્ગદર્શન અને સારવાર પૂરી પાડી હતી.

કેમ્પમાં વિવિધ રોગોના નિદાન માટે નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. દર્દીઓને આરોગ્ય અંગે યોગ્ય સલાહ આપવામાં આવી તેમજ જરૂરિયાત મુજબ આગળની સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાના ગામ નજીક જ નિષ્ણાત તબીબી સેવા મળતા મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.

આ પ્રસંગે કાગબાપુના પ્રપૌત્ર અને ટ્રસ્ટના સેક્રેટરી ઈશભાઈ કાગે જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ રામભાઈ કાગે વર્ષો પહેલાં ડુંગર ગામમાં ઐતિહાસિક ટીબી કેમ્પનું આયોજન કરીને લોકસેવાની અનોખી પરંપરા સ્થાપી હતી. તેમની એ જ સેવાભાવનાને આગળ વધારવાના હેતુથી દર વર્ષે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને આ મેડિકલ કેમ્પ પણ તેનો જ એક ભાગ છે.

કાર્યક્રમમાં અખેગઢના પૂજ્ય તુલસીબાપુ હરિયાણી, કાતર દરબારના દાદબાપુ વરુ, પીઠુભાઈ બોરીચા, ચિરાગભાઈ જોશી તેમજ બાબરીયાધાર, અખેગઢ અને અમૂલી ગામના સરપંચો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ ટીમ માટે ભોજનની વ્યવસ્થા મહુવાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દિલીપભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટના હોદ્દેદારો, કાર્યકરો અને યુવા સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સેવાયજ્ઞને ગ્રામજનો દ્વારા પણ ખૂબ આવકાર મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande