


અમદાવાદ,27 જૂન (હિ.સ.) ખેડા જિલ્લાના ખેડા જિલ્લાના કપડવંજમાં ગેરકાયદેસર ધમધમતા ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટ,6 શ્રમિકો ઇજાગ્રસ્ત થાય છે જેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આજે સવારે લગભગ 9:30 વાગે ભયાનક વિસ્ફોટ થયો હતો. જેને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આજુબાજુના ગામોમાં ધરતી ધ્રુજી હોય તેવો અહેસાસ થયો હતો. ફેક્ટરીની દીવાલ, પતરાનો સેડ અને ઓફિસનું આખું મકાન તૂટીને ભુક્કો થઈ ગયું હતું. એટલુ જ નહીં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા
હજી દિવસ પહેલા જ ખેડા એસઓજીએ વસો ગામમાંથી એક ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ઝડપી પાડ્યું હતું, ત્યાં જ કપડવંજમાં આ બીજી મોટી દુર્ઘટના સામે આવતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે.
કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં એક ભયાનક અને પ્રચંડ વિસ્ફોટ સર્જાયો હતો. આ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે કપડવંજ પંથકના 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં ધરતીકંપ આવ્યો હોય તેમ ધરા ધ્રુજી ઉઠી હતી અને આસપાસના ગામોમાં તેની ગંભીર અસર જોવા મળી હતી. વિસ્ફોટના કારણે ફેક્ટરી તૂટીને ભૂક્કો થઈ ગઈ હતી.
આ દુર્ઘટનામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં કામ કરી રહેલા 5 થી 6 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 શ્રમિકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. કોઈપણ પ્રકારની પરવાનગી વિના વહીવટી તંત્રના નાક નીચે ધમધમતી આ ગેરકાયદેસર ફેક્ટરીને કારણે હવે સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
ઘટનાની વિગત મુજબ, કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન નજીક આવેલી આ ફેક્ટરીમાં સામાન્ય દિવસોની જેમ શ્રમિકો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક કોઈ કારણોસર ફટાકડાના જથ્થામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. ધડાકાનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના ગ્રામજનો ભયના માર્યા પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા અને જોતજોતામાં ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
વિસ્ફોટની તીવ્રતાના કારણે ફેક્ટરીની આખી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થાનિકોની મદદથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.
કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ મામલે પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, ઘટના સમયે ફેક્ટરીમાં 5થી 6 શ્રમિક કામ કરી રહ્યા હતા, જેમાંથી 2 શ્રમિકને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે નડિયાદ અને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેમાંથી 2 શ્રમિકોને વધુ ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક નડિયાદ અને અમદાવાદની હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સ્થળે ફટાકડા માટેની દિવેટો બનાવવાનું કામ ચાલતું હતું અને આ ફેક્ટરીના માલિક કોઈ 'પટેલ' હોવાનું ખૂલ્યું છે. જોકે, આ કારખાનું કેટલા સમયથી ચાલતું હતું તે અંગે પ્રાંત અધિકારીએ અજાણ હોવાનું જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ