ખાવડામાં ગેરકાયદે ખનીજ માફિયા સામે વહીવટીતંત્રનો મોટો પ્રહાર: 7 ઓવરલોડ ટ્રક સીઝ, રૂ. 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 27 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ખનીજના બિનઅધિકૃત પરિવહન સામે જિલ્લા વહીવટીતંત્રે આજે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવે આજે ખાવડા વિસ્તાર
ડિટેઇન કરાયેલા ઓવરલોડ ટ્રક


કચ્છ, 27 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ખનીજના બિનઅધિકૃત પરિવહન સામે જિલ્લા વહીવટીતંત્રે આજે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવે આજે ખાવડા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર રીતે ખનીજનું પરિવહન કરતા સાત જેટલા ટ્રકો ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીના પગલે ખનીજના ગેરકાયદેસર વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ ભુજ તાલુકાના ખાવડા ગામ નજીક આજે વહેલી સવારે હાથ ધરાયેલી આ વિશેષ તપાસ દરમિયાન અનેક ભારે વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સાત ટ્રકોમાં ખનીજનું ઓવરલોડ પરિવહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ કરતાં વાહનચાલકો પાસે ખનીજના પરિવહન માટે ફરજિયાત ગણાતા માન્ય રોયલ્ટી પાસ અથવા અન્ય જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે તમામ વાહનોને સ્થળ પર જ અટકાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવી રહેલા ખનીજ સહિત અંદાજે રૂ. ૧ કરોડ ૭૫ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ સાત વાહનોને સીઝ કરીને સંબંધિત વિભાગને આગળની કાર્યવાહી, દંડ વસૂલાત તથા કાયદાકીય પ્રક્રિયા માટે સોંપવામાં આવ્યા છે.

જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન, ઓવરલોડિંગ અને રોયલ્ટી પાસ વિના થતા પરિવહન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. નિયમોનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવી આકસ્મિક તપાસો સતત ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande