કર્ણાટકના કોપ્પલ નજીક ભીષણ માર્ગ અકસ્માત, 5 લોકોના મોત
કોપ્પલ, નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.). કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં શનિવારે સવારે એક ભીષણ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત કુકનૂર તાલુકાના ભાનાપુર સ્થિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-63 પર તે સમ
કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં ભીષણ માર્ગ અકસ્માત


કોપ્પલ, નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.). કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં શનિવારે સવારે એક ભીષણ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત કુકનૂર તાલુકાના ભાનાપુર સ્થિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-63 પર તે સમયે થયો હતો, જ્યારે મંત્રાલયમના દર્શન માટે શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી એક ઓમ્ની વેનને ડિવાઈડર ઓળંગીને આવેલા એક માલવાહક વાહને ટક્કર મારી દીધી હતી.

મૃતકોની ઓળખ કેંચમ્મા બાલેકાયી (35), અમૃતા કોટ્યાલ (25), રમેશ બલ્લારી (45), પ્રવીણ બાલેકાયી (40) અને ચિન્મય તરીકે થઈ છે. તમામ મૃતકો હાવેરી જિલ્લાના રટ્ટીહલ્લી તાલુકા સ્થિત કબ્બાર ગામના રહેવાસી હતા.

મળતી માહિતી મુજબ, પરિવારના સભ્યો ઓમ્ની વેનમાં મંત્રાલયમ જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલું એક અશોક લેલેન્ડ માલવાહક વાહન અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને ડિવાઈડર ઓળંગીને સામેથી ઓમ્ની વેન સાથે અથડાયું. ટક્કર એટલી ભીષણ હતી કે, ઓમ્ની વેન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકોને બચાવ ટીમની મદદથી તાત્કાલિક કોપ્પલ જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર, કેટલાક ઘાયલોની હાલત હજુ પણ ગંભીર છે.

ઘટનાની માહિતી મળતા જ કુકનૂર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનું કારણ જાણવા માટે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ એમ.બી. / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande