
કચ્છ, 27 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના રામવાવ ગામમાં શનિવારે સાંજના સમયે બનેલી એક ઘટનાએ સમગ્ર વાગડ પંથકમાં ભારે ચકચાર મચાવી છે. ગામના રામ મંદિર પાછળના માર્ગ પર ગૌવંશનું કપાયેલું માથું અને નજીકના વિસ્તારમાં તેના ત્રણ પગ મળી આવતાં સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે મોહરમના તાજિયા નીકળવાના દિવસ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા હતા, જેના કારણે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ અને તર્ક-વિતર્ક શરૂ થયા છે.
સ્થાનિકોએ ઘટનાની જાણ તાત્કાલિક રાપર પોલીસને કરતાં પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એલ. ખટાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. એલ. ફણેજા સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે આસપાસ રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી હતી તેમજ ઘટનાસ્થળેથી મળેલા ગૌવંશના અવશેષોની વૈજ્ઞાનિક તપાસ માટે વેટરનરી તબીબોને બોલાવવામાં આવ્યા હતા. વેટરનરી નિષ્ણાતોએ જરૂરી નમૂનાઓ એકત્ર કરીને વધુ વૈજ્ઞાનિક વિશ્લેષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, રાજકોટ મોકલી આપ્યા છે. ફોરેન્સિક રિપોર્ટના આધારે ગૌવંશના અવશેષો અંગેની હકીકતો વધુ સ્પષ્ટ થશે તેવી પોલીસને આશા છે.
ઘટનાની જાણ થતાં વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને સ્થાનિક લોકો પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને ઝડપી તપાસ કરવાની માંગ ઉઠાવી છે. ગામમાં કોઈપણ પ્રકારની અફવા કે ગેરસમજ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયામાં બિનચકાસેલી માહિતી શેર ન કરવાની અપીલ કરવામાં આવી છે.
પોલીસે હાલમાં આ સમગ્ર મામલે રાપર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરીને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. ગૌવંશના અવશેષો ઘટનાસ્થળે કેવી રીતે પહોંચ્યા, આ પાછળ કોઈ ગુનાહિત કાવતરું છે કે અન્ય કોઈ કારણ, તે સહિતના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. હાલ સુધી આ કેસમાં કોઈ આરોપીની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને પોલીસ દ્વારા પણ કોઈ વ્યક્તિની સંડોવણી અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે સંવેદના અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે સૌની નજર પોલીસ અને ફોરેન્સિક તપાસના પરિણામો પર છે, જે બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સામે આવી શકે તેમ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar