પાવીજેતપુર પંથકમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતિત: આકાશ તરફ મીટ માંડી ચાતક નજરે રાહ જોતા કિસાનો
છોટાઉદેપુર , 27 જૂન (હિ.સ.) ચોમાસાની સીઝન શરૂ થઈ ચૂકી હોવા છતાં પાવીજેતપુર પંથકમાં હજી સુધી મેઘરાજાની વિધિવત પધરામણી ન થતાં સ્થાનિક કિસાનોની ચિંતામાં ભારે વધારો થયો છે. વાવણી લાયક વરસાદની આશાએ બેઠેલા ધરતીપુત્રો હાલ આકાશ તરફ મીટ માંડીને ચાતક નજરે વર
ખેડૂત


ખેડૂત


છોટાઉદેપુર , 27 જૂન (હિ.સ.) ચોમાસાની સીઝન શરૂ થઈ ચૂકી હોવા છતાં પાવીજેતપુર પંથકમાં હજી સુધી મેઘરાજાની વિધિવત પધરામણી ન થતાં સ્થાનિક કિસાનોની ચિંતામાં ભારે વધારો થયો છે. વાવણી લાયક વરસાદની આશાએ બેઠેલા ધરતીપુત્રો હાલ આકાશ તરફ મીટ માંડીને ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

તારીખ ૧૭ જૂનની રાત્રિએ પંથકમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદના આ પ્રારંભિક 'ટ્રેલર'ને જોઈને ખેડૂતોમાં ભારે ઉત્સાહ વ્યાપી ગયો હતો અને આ વર્ષે ચોમાસું સમયસર અને સારું રહેશે તેવી આશા બંધાઈ હતી. આ જ આશા સાથે ઉત્સાહમાં આવીને ખેડૂતોએ પોતાના ખેતરો ખેડીને વાવણીની તૈયારીઓ આરંભી દીધી હતી. અનેક વિસ્તારના ખેડૂતોએ તો ડાંગરના ધરુની વાવણી પણ સત્વરે પૂર્ણ કરી દીધી હતી.

સામાન્ય ગણતરી મુજબ, ગત ૨૨ જૂન સુધીમાં પંથકમાં સાર્વત્રિક વરસાદ આવી જશે અને ચોમાસું પૂરેપૂરું સક્રિય થઈ જશે તેવી ધારણા હતી. પરંતુ આજે ૨૭ તારીખ થઈ ગઈ હોવા છતાં આકાશમાં માત્ર વાદળોની અવરજવર વચ્ચે અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે, પણ વરસવા લાયક વરસાદ પડ્યો નથી.

વરસાદ લાંબો સમય ખેંચાવાના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. જો આગામી એક-બે દિવસમાં પૂરતો વરસાદ નહીં પડે, તો ખેતરોમાં નાખેલું મોંઘા ભાવનું બિયારણ અને ડાંગરનું ધરુ બળી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે.

હાલ તો પાવીજેતપુર પંથકના જગતના તાત પાસે કુદરત સમક્ષ પ્રાર્થના કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. ખેડૂતો ચાતક પક્ષીની જેમ એક-એક ટીપાં માટે આભ સામે નજર માંડીને બેઠા છે અને મેઘરાજા વહેલી તકે મન મૂકીને વરસે તેવી આશા રાખી રહ્યા છે જેથી તેમની મહેનત એળે ન જાય.

પાવીજેતપુર પંથકમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતિત થઈ આકાશ તરફ મીટ માંડી ચાતક નજરે વરસાદ ની રાહ જોતા નજરે પડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande