
મહેસાણા, 27 જૂન (હિ.સ.) દાંતા તાલુકાના નારગઢ ગામની સરકારી શાળામાં મહેસાણાના નિજાનંદ ગ્રુપ દ્વારા 'અબોલ સેવા અનમોલ' અભિયાન અંતર્ગત 'ચહેરા પર સ્મિત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ માતા-પિતાની છત્રછાયા ગુમાવેલા તેમજ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
આ પ્રસંગે બાળકોને સ્કૂલ બેગ, ચોપડા તેમજ જમવા માટેની ડિશો ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સામગ્રી મળતાં તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે આવા સેવાકાર્યો દ્વારા બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રેરણા મળે અને તેમના અભ્યાસમાં સહાયરૂપ બની શકાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમમાં વિપુલ ગુર્જર (અંબાજી), ડો. રાકેશ પ્રજાપતિ, કૌશિક રાવલ, રાજા મહાકાલ, સુધીર ઠક્કર અને રાકેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નારગઢ શાળાના આચાર્ય અને શિક્ષકમિત્રોએ મહેસાણાના નિજાનંદ ગ્રુપના આ સેવાકાર્યની પ્રશંસા કરી હતી અને ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન બાળકો સાથે આત્મીય સંવાદ પણ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિતોએ સમાજમાં જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે સૌએ સહભાગી બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR